Site icon Gujarat Mirror

દ્વારકામાં એકાદશીએ ઠાકોરજીના રંગે રંગાતા હજારો ભાવિકો

વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાઇનો લાગી, અબીલ-ગુલાલ સાથે ગુલાબની પંખુડીઓની હોળી ખેલી

યાત્રાધામ દ્વારકામાં આવેલા ભગવાન દ્વારકાધીશના જગતમંદિરમાં ગઈકાલે શુક્રવારે કુંજ એવમઆમલકી એકાદશીના પાવન અવસરે હજારો ભાવિકો વહેલી સવારથી જ લાંબી કતારો સાથે જગતમંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. જગતમંદિરમાં મંગલા આરતીથી બપોરે અનોસર સુધી ભાવિકોનો ઘસારો જોવા મળ્યો હતો. આજરોજ સવારે શૃંગાર આરતી સમયે ઠાકોરજી સંગ ભાવિકોએ અબીલ ગુલાલથી રંગાયા હતા.

અગિયારસ નિમિત્તે ઠાકોરજીને વારાદાર પૂજારી દ્વારા વિશેષત: ગુલાબની પંખુડીઓ સાથે હોળી ખેલવામાં આવી હતી. જેના અલભ્ય દર્શનનો લાભ હજારો ભાવિકોએ પ્રત્યક્ષ રીતે તેમજ ઓનલાઈનના વિવિધ માધ્યમોથી લાખો કૃષ્ણભકતોએ નિહાળ્યો હતો.

દ્વારકામાં ફુલડોલ ઉત્સવ પૂર્વે હાલ હજારોની સંખ્યામાં પદયાત્રીઓ તથા દર્શનાર્થીઓ આવી રહ્યા હોય, શુક્રવારે ફાગણ સુદ એકાદશી (કુંજ એકાદશી)એ ઠાકોરજીના દર્શન કરવા હજારો ભાવિકો ઉમટયા હતા. એકાદશીના પાવન અવસરે હજારો ભાવિકોએ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં પાવનકારી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. વહેલી સવારથી જ છપ્પન સીડીએ સ્વર્ગ દ્વાર તેમજ મોક્ષ દ્વારથી જગતમંદિર પ્રવેશી કાળિયા ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળી ભાવવિભોર થયા હતા. એકાદશીના પવિત્ર ગોમતી સ્નાન બાદ ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળવાની પરંપરા અનુસાર વહેલી સવારથી જ હજારો ભાવિકો મંગલા દર્શને ઉમટયા હતા.

સવારે શૃંગાર આરતીએ ઠાકોરજીને શ્વેત વાઘા અને દિવ્ય અલંકાર સાથેના વિશિષ્ટ શૃંગાર વારાદાર પુજારી પરિવાર દ્વારા કરાયા હતા, જે દિવ્ય દર્શનનો લાભ હજારો ભાવિકોને પ્રાપ્ત થયો હતો. જગતમંદિરમાં અબીલ ગુલાલ સાથે ગુલાબની પંખુડીઓથી પણ હોળી ખેલવામાં આવી હતી.

2000 પોલીસ અવિરત રીતે કાર્યરત
દ્વારકામાં સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત સહિતના વિવિધ વિસ્તારોમાંથી ફૂલડોલ ઉત્સવ ઉજવવા પગપાળા, રેલ તેમજ રોડ માર્ગે ભાવિકોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના સીધા માર્ગદર્શન હેઠળ ડીવાયએસપીના વડપણ હેઠળ પીઆઈ, પીએસઆઈ, સહિતના અધિકારીઓ સાથે બે હજાર જેટલા પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દ્વારકામાં દ્વારકાધીશ મંદિર, ગોમતી ઘાટ, છપ્પનસીડી, પૂર્વ દરવાજા સહિત શહેરના મુખ્ય રસ્તાઓ અને મુખ્ય પોઈન્ટસ પર પોલીસ વ્યવસ્થા સુદ્રઢ કરવામાં આવી છે. દ્વારકા આસપાસના મુખ્ય પ્રવાસન અને ધાર્મિક સ્થળો જેવા કે શિવરાજપુર બીચ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, બેટ દ્વારકા, સહિતના સ્થળોએ પણ ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આ માટે જિલ્લાની એલ.સી.બી., એસ.ઓ.જી., કયુઆરટી, સી-ટીમ, તેમજ બીડીડીએસનું રાઉન્ડ ધી કલોક ચેકીંગ તેમજ ટ્રાફીક નિયમન માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Exit mobile version