સુરતમાં છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. હીરા ઉદ્યોગમાં મંદીને કારણે ઘણા લોકોએ ધંધા-રોજગાર ગુમાવ્યા છે. અચાનક નોકરી જતી રહેવા કે પગાર ઘટી જવાને કારણે ઘણા પરિવારનો માળો વિખાયો છે. પરંતુ સુરતમાં લોકો આપઘાત ન કરે તે માટે સુરત પોલીસ દ્વારા એક વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. સુરતમાં તમામ ડીસીપીના નેતૃત્વમાં એક કમિટીની રચના કરવામાં આવી હતી.
સુરત પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સુરતમાં ત્રણ વર્ષમાં 1866 જેટલા આત્મહત્યાના કેસો નોંધાયા છે. જેમાં પારિવારિક સમસ્યાથી કંટાળી 492 લોકોએ આત્મહત્યા કરી છે. બીમારીને કારણે 452 તો વ્યાજ-દેવું વધી જવાને કારણે 355 લોકોએ આપઘાત કર્યો છે. ડિપ્રેશનને કારણે 218 લોકોએ આપઘાત કર્યો છે. જ્યારે બ્લેકમેલ કારણે 37 લોકોએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. અભ્યાસમાં નિષ્ફળતાને કારણે આપઘાત કરનાર લોકોની સંખ્યા 200 છે.
લોકો આત્મહત્યા ન કરે અને તેના જીવનમાં ચાલતી સમસ્યાનું સમાધાન તથા તેને માર્ગદર્શન મળે તે માટે સુરત પોલીસે પ્રયાસો શરૂૂ કર્યાં છે. સુરત શહેરમાં જો કોઈ વ્યક્તિને આપઘાતનો વિચાર આવે તો તે તાત્કાલીક ધોરણે 8128369100 અને 8128308100 નંબર પર ફોન કરી મદદ મેળવી શકે છે. 24 કલાક આ હેલ્પલાઇન નંબર કાર્યરત રહેશે. આ ફોન નંબર પર પોલીસ કોન્સ્ટેબલ સાથે કાઉન્સેલર હાજર રહેશે. આ નંબર પર ફોન કરતા પોલીસ ત્યાં પહોંચી સમસ્યાનું નિરાકરણ લાવશે. સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યુ કે સુરત પોલીસ દ્વારા આત્મહત્યા રોકવા માટે આ પ્રયાસ છે.

