Site icon Gujarat Mirror

જામનગરમાં વ્હોરા પરિવારના ઘરમાં થયેલી ચાર લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

જામનગરમાં મુલ્લા મેડી વિસ્તારમાં ગલેરીયા શેરીમાં રહેતા અલી અસગરભાઈ ગાંધી નામના વ્હોરા પરિવારના રહેણાક મકાનમાં આજથી ચાર દિવસ પહેલાં વહેલી સવારે ચોરી થઈ હતી, અને તસ્કરો રૂૂપિયા ચાર લાખ પાંચ હજારની માલમતા જેમાં રોકડ રકમ, સોના ચાંદીના દાગીના, મોબાઇલ ફોન વગેરેની ચોરી કરી લઈ ગયા હતા.
જે ચોરીના બનાવ અંગે અલી અસગરભાઈ ગાંધીએ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગત 12મી તારીખે ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના અનુસંધાને સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે ચોરીનો ભેદ ઉકેલ નાખ્યો છે, અને ઉપરોક્ત રહેણાંક મકાનને નિશાન બનાવનાર તસ્કર ત્રિપુટીને ઝડપી લીધી છે.

જામનગરમાં ગુજરાતી વાડ વિસ્તારના રહેતા અને અગાઉ 22 થી વધુ ચોરીઓમાં પકડાઈ ચૂકેલા એઝાજ કાદરભાઈ શેખ ઉર્ફે એઝલો, તેમજ તેના બે સાગરીત શકીલ અનવરભાઈ ખફી અને સાહિલ રહીમભાઈ સેતા ત્રણેયની અટકાયત કરી લીધી છે. પોલીસે ત્રણેયને અદાલત સમક્ષ રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર લીધા છે. તેઓ પાસેથી સોનાની બે નંગ બંગડી, પાંચ નંગ સોનાની વીંટી, બે સોનાના ચેઇન, બે નંગ સોનાની બુટ્ટી, 15,000ની રોકડ રકમ, મોબાઈલ ફોન વગેરે સહિત રૂૂપિયા ચાર લાખની માલમતા કબજે કરી લીધી છે. સિટી એ. ડિવિઝનના પી.આઇ. એન. એ. ચાવડા અને તેઓની ટીમ દ્વારા આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી.

મુખ્ય સૂત્રધાર આરોપી એઝાજ સામે ચોરી અંગેના 22 ગુના નોંધાયા
જામનગરના વ્હોરા પરિવાર ના મકાનમાં ચોરી કરવાના ગુન્હામાં પકડાયેલા મુખ્ય સૂત્રધાર આરોપી એઝાજ કે જેની સામે અત્યાર સુધીમાં જામનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 22 જેટલા ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે, અને તેમાં તેની ધરપકડ પણ થઈ છે. જે આરોપી જેલમાંથી છૂટ્યા બાદ પોતે તુર્તજ ચોરીના રવાડે ચડી જાય છે. ઉપરોકત વ્હોરા પરિવાર ના ઘર માં પણ તેણે ચોરી કરી હતી, પરંતુ તે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.

Exit mobile version