ગુજરાત
પોપટપરામાં નિવૃત્ત એએસઆઇના મકાનમાંથી રૂા.1.94 લાખની ચોરી
રોકડ અને દાગીનાની ચોરી, પરિવાર નેકનામ વાડીએ ખેતીકામ કરવા ગયો હતો
પોપટપરામાં ખેડૂતના ઘરે તસ્કરો ત્રાટકયા હતા અને ઘરમાંથી દાગીના અને રોકડ સહિત 1.94 લાખની મતાની ચોરાઈ હતી.આ મામલે પ્ર. નગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.મૂળ ટંકારાના નેકનામના અને હાલ પોપટપરા વેરહાઉસની સામે રહેતા ખેડૂત સંજયભાઈ લવજીભાઈ દારોદ્રા (ઉ.વ.40)એ નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પિતા એએસઆઈ હતા.જે સાતેક વર્ષ પહેલા નિવૃત થયા હતા.
હાલ સંયુક્ત પરિવારમાં રહે છે.ગઇ તા.6ના રોજ પરિવારના તમામ સભ્યો સાથે નેકનામ ગામે આવેલી વાડીએ ખેતી કામ કરવા ગયા હતા. ગઈકાલે સાંજે કાકી પ્રભાબેને મકાનની શટર જાળી ખુલ્લી હોવાનું કહેતા તત્કાળ પત્ની સાથે ઘરે આવી તપાસ કરતાં મુખ્ય ડેલાનો દરવાજો તો બહારથી લોક હતો પરંતુ અંદરથી કોઈએ સ્ટોપર મારી દીધી હતી. પાડોશી દુકાનદાર ગણેશભાઈએ વંડી ઠેકી સ્ટોપર ખોલી હતી.
મકાનના દરવાજાના શટર પણ ખુલ્લા જોવા મળ્યા હતા અને તેનું તાળુ તૂટેલું હતું. અંદર બંને રૂૂમના દરવાજા ખુલ્લા હતા. તેના પિતાના રૂૂમમાં આવેલા કબાટનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તિજોરીનો લોક બળ વાપરી તોડી નંખાયો હતો. જેમાં રાખેલી સોનાની હાસડી, સોનાનો પેન્ડન્ટ સાથેનો ચેન, સોનાની બે સળ, લેડીઝ વીંટી મળી રૂૂા. 1.82 લાખની કિમતના 7 તોલા સોનાના દાગીના અને તેના રૂૂમના કબાટમાંથી રોકડા રૂૂા. 12 હજાર મળી કુલ રૂૂા. 1.94 લાખની ચોરી થઈ હતી.જે અંગે પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.બંને કિસ્સામાં પોલીસે સીસીટીવી કેમેરા વગેરેના આધારે તપાસ આગળ ધપાવી છે.