Site icon Gujarat Mirror

જિલ્લાની 187 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તંત્ર સજ્જ

426 મતદાન મથક, 4.42 લાખ મતદારો, 2244 ચૂંટણી સ્ટાફ, કાયદો વ્યવસ્થા માટે 1500 પોલીસની નિમણૂક

જામનગર જિલ્લામાં આવેલ ધ્રોલ, કાલાવડ, જામજોધપુર, જામનગર, લાલપુર તથા જોડિયા તાલુકાઓની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ આગામી તા. 22/06/2025 રવિવારના રોજ યોજાનાર છે. આ અંગેની વિગતો જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર તથા જિલ્લા પોલિસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુએ પત્રકાર પરિષદના માધ્યમથી રજૂ કરી હતી.

ગ્રામ પંચાયત ચૂંટણી – 2025 અન્વયે જામનગર જિલ્લામાં 254-સામાન્ય, 10- વિભાજનવાળી, 2-મધ્યસત્ર તથા 60-પેટા ચૂંટણી એમ કુલ-326 ગ્રામ પંચાયતોના જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. તે પૈકી, હરીફાઈમાં રહેલ ગ્રામ પંચાયતોમાં 174-સામાન્ય, 6-વિભાજનવાળી, 1-મધ્યસત્ર તથા 6-પેટા ચૂંટણી એમ કુલ-187 ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાનાર છે.

જામનગર જિલ્લામાં કુલ 60 ગ્રામ પંચાયતો સંપૂર્ણ સમરસ થયેલ છે, જ્યારે 79 ગ્રામ પંચાયતોમાં અમુક બેઠકો બિનહરીફ થવાથી તેમજ અમુક બેઠકો ખાલી રહેવાથી મતદાન યોજાનાર નથી. હરીફાઈમાં યોજાનાર ગ્રામ પંચાયતોની સરપંચ તથા વોર્ડની બેઠક માટે અંદાજીત 2,26,386 પુરુષ મતદારો તથા 2,16,178 સ્ત્રી મતદારો મળી કુલ 4,42,577 મતદારો મતદાન કરશે. હરીફાઈ યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેના કુલ 426 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે, જે પૈકી 101 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી અન્વયે કુલ 58 ઝોનલ રૂૂટ નક્કી કરવામાં આવેલ છે, જેમાં રિઝર્વ સહિત 69 ઝોનલ/મદદનીશ ઝોનલની નિમણૂક કરવામાં આવેલ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ચૂંટણી આચારસંહિતાનું અસરકારક અમલીકરણ થાય તે માટે કુલ-18 જાહેરનામાઓ બહાર પાડવામાં આવેલ છે.

જામનગર જિલ્લામાં સમાવિષ્ટ કુલ 6 તાલુકાના 426 મતદાન મથક ખાતે કુલ 2244 જેટલા સ્ટાફને ચૂંટણી ફરજ સોંપવામાં આવેલ છે. મત ગણતરી કેન્દ્ર ખાતે કુલ-340 સ્ટાફને મત ગણતરી ફરજ સોંપવામાં આવનાર છે.
ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોની મતદારયાદીમાં નોંધાયેલ કુલ-123 સેવા મતદારોને ટપાલ મતપત્રો ઇસ્યુ કરવામાં આવેલ છે. ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોના મતદાન મથકો ખાતે તથા સ્ટ્રોંગરૂૂમ તેમજ મત ગણતરી કેન્દ્ર ખાતે પોલીસ ફોર્સ તથા હોમગાર્ડ મળી આશરે 1915 જવાન તૈનાત કરવામાં આવશે. જિલ્લામાં નક્કી કરવામાં આવેલ 6 સ્ટ્રોંગરૂૂમ તથા 6 મત ગણતરી કેન્દ્ર ખાતે અંદાજે 240 પોલીસ ફોર્સ તથા 300 હોમગાર્ડ તૈનાત કરવામાં આવેલ છે. મતદાનનો સમય સવારે 07:00 વાગ્યાથી સાંજના 06:00 વાગ્યા સુધી નક્કી કરવામાં આવેલ છે. મતદાનના દિવસે તા. 22/06/2025 (રવિવાર) ના રોજ જિલ્લા કક્ષાએ ચૂંટણી અંગેની ફરિયાદો માટે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂૂમ કાર્યરત કરવામાં આવેલ છે. જિલ્લા કક્ષાના કંટ્રોલરૂૂમના સંપર્ક નં. (0288) 2541960 છે. મતદાન તા. 22/06/2025 ના રોજ રજા જાહેર કરવા અંગેનો આદેશ કરવામાં આવેલ છે.

પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુએ વિગતો આપતા જણાવ્યું કે દરેક તાલુકામાં એએસપી તથા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સહિત 1500 જેટલા જવાનોની નિમણુક કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ એલસીબી એસ.ઓ.જી., કયુ.આર.ટી.ની ખાસ ટીમોને પણ ફરજ સોંપવામાં આવી છે.અત્યાર સુધીમાં 2,000 જેટલા અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસતંત્રએ અટકાયતી પગલા લીધા છે સાથે જ બે લોકોને તડીપાર કરવામાં આવ્યા છે જ્યારે 20 લાખ જેટલો પ્રોહિબિશનનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે.

પાંચ સ્થળે મતગણતરી
મતગણતરી તા. 25/06/2025 ના રોજ હાથ ધરવામાં આવશે. આ મતગણતરી જામનગર તાલુકા માટે ડી.કે.વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, જામનગર ખાતે; કાલાવડ તાલુકા માટે જે.પી.એસ. સ્કૂલ, કાલાવડ ખાતે; લાલપુર તાલુકા માટે સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, લાલપુર ખાતે; જામજોધપુર તાલુકા માટે એ.વી.ડી.એસ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, જામજોધપુર ખાતે; ધ્રોલ તાલુકા માટે હરધ્રોલ હાઈસ્કૂલ, ધ્રોલ ખાતે; જ્યારે જોડિયા તાલુકા માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જોડિયા ખાતે યોજાશે.

Exit mobile version