વેપારીઓએ બંધ પાળ્યા બાદ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા ધૂણી
લાખાજીરાજ રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી વેપારીઓ અને પાથરણાવાળાઓ વચ્ચે માથાકૂટ ચાલી રહી છે. જે ચરમસીમાએ પહોંચતા ગઇકાલે લાખાજીરાજ વેપારી એસોસીએશન દ્વારા ધંધા રોજગાર બંધ રાખી વિરોધ પ્રદર્શન સાથે મ્યુનિ.કમિશનર અને ધારાસભ્યો સહિતનાને ઉગ્ર રજૂઆત કરતા કમિશનરે તાત્કાલીક ધોરણે લાખાજીરાજ રોડ પરથી તમામ પ્રકારના દબાણો સે શરમ રાખ્યા વગર દુર કરવાના આદેશ જગ્યા રોકાણ વિભાગને આપતા આજે સવારથી પોલીસ બંદોબસ્ત સાથેનો કાફલો લાખાજીરાજ રોડ ત્રાટકતા પાથરણાવાળાઓમાં અફરાતફરી મચી ગઇ હતી અને જગ્યા રોકાણ વિભાગે અનેક પાથરણાવાળાનો સામાન જપ્ત કર્યો હોવાનુ જાણવા મળેલ છે.
લાખાજીરાજ રોડ પર ગેરકાયદેસર બેસતા ફેરીયાઓ સામે વેપારીઓમાં ફરી વખત રોષ વ્પાયો છે અને પાથરણાઓના દબાણો દુર કરવાના મુદ્દે ગઇકાલે વેપારી એસોસીએશનને ધંધા રોજગાર બંધ રાખી રોડ ઉપર બેસી રામધૂન બોલાવી દબાણો કાયમી માટે દુર કરવામાં આવે તે સહિતના મુદ્દે મ્યુનિ.કમિશનરને આવેદન પાઠવતા તંત્રમાં દોડાદોડી જઇ પડી હતી અને ધારાસભ્યો તથા સ્ટેન્ડિંગ ચેરમેન સહિતનાએ મ્યુનિ.કમિશનર અને વેપારીઓ સાથે ચર્ચા કરી કમિશનરે રોજેરોજ ડ્રાઇવ યોજી દરેક દબાણને દબાણ સમજી દુર કરવાના આદેશ જગ્યા રોકાણ વિભાગને આપ્યો હતો. જેના પગલે આજે સવારથી જગ્યા રોકાણ વિભાગ દ્વારા દબાણ હટાવ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરના વર્ષો જૂના લાખાજીરાજ રોડ ઉપર ખરીદી કરવાનો કેઝ લોકોમાં રહ્યો છે. દરેક પ્રકારના ધંધાર્થીઓ કરોડો રૂપિયાની દુકાનો લઇ અવનવી આઇટમનો વેપાર કરી રહ્યો છે.
આ બજારમાં સૌરાષ્ટ્રભરમાંથી ગ્રાહકો ઉમટી પડે છે. પરંતુ તહેવારો દરમિયાન અને અન્ય દિવસોમાં પણ લાખાજીરાજ રોડની તમામ દુકાનો આગળ પાથરણા વાળાઓ દબાણ કરી દુકાનોમાં આવતા ગ્રાહકોને સસ્તા ભાવે ટકલાદી માલ વેચતા દુકાનદારોને નુકસાની વેઢવાનો વારો આવી રહ્યો છે અને આ મુદ્દે અગાઉ વેપારી એસોસીએશન દ્વારા મહાનગરપાલિકાને અનેક રજૂઆતો કરવામાં આવેલ જે તે સમયે ધારાસભ્ય દ્વારા મધ્યસ્થ કરી પાથરણા વાળાઓને અલગથી જગ્યા ફાળવી જગ્યા રોકાણ વિભાગ દ્વારા ડેઇલી ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી.
જે થોડા દિવસ બાદ બંધ થઇ જતા પાથરણા વાળાઓ ફરી વખત મુળ જગ્યાએ ગોઠવાઇ દબાણો કરવા લાગતા અંતે વેપારી એસોસીએશને ગઇકાલે દબાણો દુર કરવામાં નહી આવેતો આંદોલનની ચીમકી આપી ગઇકાલે લાખાજીરાજ રોડનુ બંધનુ એલાન આપવામાં આવ્યુ હતું અને સવારથી વેપાર ધંધા બંધ રાખી વેપારીઓએ રામધૂન બોલાવી તંત્રની આંખ ઉઘાડવાનો પ્રાયસ કરેલ જેના પગલે તંત્ર પણ દોડતુ થઇ ગયેલ અગાઉ મધ્યસ્થ થયેલ ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ તથા રમેશભાઇ ટીલાળા અને ઉદયભાઇ કાનગડ કોર્પોરેશન ખાતે દોડી ગયા હતા જયા સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઇ ઠાકર, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે તથા નેહલભાઇ શુકલ સહિતના મ્યુનિ.કમિશનર પાસે દોડી ગયા હતા જયા રજૂઆત કરવા આવેલ લાખાજીરાજ રોડ વેપારી એસોસીએશનના હોદેદારોની રજૂઆત સાંભળી એક પણ દબાણો રહેવા ન જોઇએ અને તૂટી પડવાના આદેશ આપતા આજે સવારથી કડકડ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી.
ફૂટેલ તંત્ર: પાથરણાવાળાઓને અગાઉથી ખબર પડી જાય છે
મહાનગરપાલિકાના જગ્યા રોકાણ વિભાગ દ્વારા આજ સવારથી લાખાજીરાજ રોડ ઉપર દબાણ હટાવ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. જે દરમિયાન અનેક પાથરણાવાળાઓ કાફલો આવે તે પહેલા જ નાશી છુટવામાં સફળ રહ્યા હતા. આ મુદ્દે અમુક વેપારીઓએ જણાવેલ કે, પાથરણાવાળાઓની તંત્રના અમુક ખાસ લોકો સાથે સાઠગાઠ હોવાથી જગ્યા રોકાણ વિભાગનો કાફલો ઝુંબેશ માટે નીકળે તે પહેલા તેમને ખસી જવાની સુચના માટે અગાઉથી ફોન કરી દેવામાં આવી રહ્યા છે. જેના લીધે એક પણ પાથરણાવાળાઓ તંત્રની અડફેટમાં આવતા નથી અને ફરી વખત દબાણો કરી રહ્યા છે.
હપ્તા બંધ થાય તો જ દબાણો દૂર થાય: એક નેતા
લાખાજીરાજ રોડ ઉપર ત્રાસ દાયક પાથરણાવાળાના દબાણો હટાવવા માટે તંત્ર દ્વારા અનેક વખત ડ્રાઇવ યોજવામાં આવી છે. છતા સ્થિતિ ન સુધરતા ગઇકાલે લાખાજીરાજ વેપારી એસોસીએશન દ્વારા મ્યનિ.કમિશનર અને ધારાસભ્યો સહિતનાને રજૂઆત કરેલ ત્યારે એક આખા બોલા નેતાએ જણાવેલ કે, જગ્યા રોકાણ વિભાગના અમુક ભ્રષ્ટ કર્મચારીઓ દ્વારા પાથરણાવાળાઓ પાસેથી રેગ્યુલર હપ્તા લેવામા ંઆવી રહ્યાની વેપારીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. આથી દુધનુ ધ્યાન બિલાડીને સોંપવામાં આવે તેવુ કામ જગ્યા રોકાણ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. આથી જો હપ્તા બંધ થાય તો જ દબાણો દુર થઇ શકે તેમ છે. તેમ જણાવતા અમુક વેપારીઓએ પણ નેતાના સુરમાં સુર મીલાવ્યો હતો.

