Site icon Gujarat Mirror

મહાપાલિકામાં મહાનુભાવોનું શાસન પૂરું, કાલથી વહીવટદાર રાજ

રાજકોટ મહાનગરપાલિકામાં આજે ચૂંટાયેલી બોડીની મુદત પૂરી થઇ જતા પદાધિકારીઓએ સરકારી વાહનો જમા કરાવી દીધા હતા અને ચેમ્બરો પણ ખાલી કરી દેતા કોર્પોરેશનની કચેરીઓ સૂની-સૂની ભાસતી હતી. છેલ્લા અઢી વર્ષથી પ્રજાનો હોંકારો બનેલા નગરસેવકોને હવે ફરી ટિકિટ મળશે કે નહિ તે પણ કોઇને ખબર નથી.

મેયર-ડે.મેયર સહિત પાંચ પદાધિકારી અને 15 સમિતિના ચેરમેનો નવરા, ચેમ્બરો ખાલી કરી કાર કમિશનરને સોંપી

રાજકોટ મહાનગરપાલિકાની ચુંટાયેલ પાંખની મુદત આજરોજ પૂર્ણ થતાં આવતીકાલથી વહીવટીદારની નિમણૂંક કરવામાં આવી છે અને તમામ કાર્યભાર તેમને સુપ્રત કરવામાં આવશે. મનપામાં ચુંટાયેલા ભાજપ અને કોંગ્રેસનાં નગરસેવકોની પાંચ વર્ષની ટર્મ આજે પૂર્ણ થઈ છે. ગઈકાલે બાકી રહી ગયેલ દરખાસ્તની મંજુરી માટે સ્પેશ્યલ બોર્ડ બોલાવવામાં આવેલ જેમાં અરજન્ટ સહિતની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી અને આજે સવારથી તમામ પદાધિકારીઓ સહિતનાઓએ કોર્પોરેશન ખાતે આવી તેમને મળેલ કાર સહિતની તમામ સુવિધાઓ પરત કરી હતી અને તેનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવ્યો હતો. આજે સાંજે છ વાગ્યા સુધી ચુંટાયેલા કોર્પોરેટરો પાસે સત્તા રહેશે ત્યારબાદ તમામ સામાન્ય નાગરિક બની જશે અને ચૂંટણી બાદ ફરી વખત સંભવત મે માસમાં નવી બોડીની રચના થશે. તેમ જાણવા મળેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાની ચુંટાયેલી પાંખની મુદત આજે પૂૂર્ણ થનાર છે તેવી જ રીતે અન્ય ચાર મહાનગરપાલિકાની મુદત પણ પૂર્ણ થનાર હોય સરકાર દ્વારા નવા ચુંટાયેલા પ્રતિનિધિઓની નિમણૂંક ન થાય ત્યાં સુધી વહીવટદાર મુકવાની પ્રક્રિયા શરૂ કરી છે. જે અંતર્ગત આજે ચુંટાયેલા પ્રતિનિધિઓની મુદત પૂર્ણ થતાં આવતીકાલથી રાજકોટ મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે રેમ્યા મોહન ચાર્જ સંભાળશે. તેવી જ રીતે અન્ય ચાર મહાનગરપાલિકાઓમાં પણ વહીવટદારોની નિમણૂંક કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના ચૂંટાયેલા પક્ષના શાસનનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. જેને લઈને રાજ્ય સરકારે અધિસૂચના બહાર પાડી અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગરમાં વહીવટદારોની નિમણૂક કરાઈ છે. હાલ માટે વહીવટી તંત્ર દ્વારા સંચાલન કરવા IAS અધિકારીઓની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ફેરફારને કારણે હવે આગામી ચૂંટણી સુધી તમામ નીતિવિષયક નિર્ણયો અને વહીવટી કામગીરી આ વહીવટદારો હસ્તક રહેશે. જણાવી દઈએ કે, રાજ્યની 6 મહાનગરપાલિકામાં 10 માર્ચ 2026થી વહીવટદારોનું શાસન લાગુ થશે. રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વની મહાનગરપાલિકાઓમાં અનુભવી સચિવોને ચાર્જ સોંપવામાં આવ્યો છે. 1. અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારની નિમણૂક કરવામાં આવી છે., 2. વડોદરા: વડોદરા મહાનગરપાલિકાનો વહીવટી ચાર્જ GUVNLના મેનેજિંગ ડિરેક્ટર શાલિની અગ્રવાલને સોંપાયો છે., 3. સુરત: દક્ષિણ ગુજરાતના મહત્ત્વના એવા સુરત મહાનગરપાલિકામાં અગ્ર સચિવ મિલિંદ તોરવણેને જવાબદારી સોંપવામાં આવી છે., 4. ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકામાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સચિવ હર્ષદ પટેલ વહીવટદાર તરીકે કાર્યભાર સંભાળશે.

રાજકોટ અને જામનગર મહાનગરપાલિકામાં વહીવટદારોની નિમણૂક આગામી દિવસોમાં કરવામાં આવી શકે છે. ખાસ નોંધનીય બાબત એ છે કે, આ તમામ IAS અધિકારીઓ અગાઉ સંબંધિત શહેરોમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, જેના કારણે શહેરના વહીવટનો અનુભવ તેમને પહેલેથી જ છે. મહાનગરપાલિકાઓમાં વહીવટદારોના શાસન આવતા જ અનેક પડતર પ્રશ્નો અને આગામી પ્રોજેક્ટ્સની ગતિ પર લોકોની નજર રહેશે. ખાસ કરીને ચોમાસા પૂર્વેની તૈયારીઓ અને શહેરી વિકાસના કામો હવે સીધા સરકારના પ્રતિનિધિઓ દ્વારા સંચાલિત થશે.

મનપામાં સવારથી ફાઈલોના પોટલા ફેરવવાના શરૂ
મનપાની ચૂંટાયેલ પાંખની મુદત આજરોજ પૂર્ણ થતાં તમામ પદાધિકારીઓ અને 15 સમિતિના ચેરમેનોના પટ્ટાવાળાઓએ ઓફિસ સાફ સફાઈની કામગીરી શરૂ કરી હતી. પદાધિકારીઓએ પોતાને મળેલ કાર પાર્કીંગમાં સવારથી જ મુકી દીધી હતી. જેની સામે સમિતિ ચેરમેનો અને મેયર સહિતનાની ઓફિસમાં પીએ સહિતનાએ અઢી વર્ષ દરમિયાન કરેલ કામગીરી તેમજ અતિ અગત્યના દસ્તાવેજો સહિતના કાગળીઓના પોટલા બાંધી પટ્ટવાળા મારફતે અન્ય સ્થળે ફેરવવાની કામગીરી સવારથી જોવા મળી હતી.

Exit mobile version