Site icon Gujarat Mirror

વકફ બોર્ડના નામે ત્રણ દુકાનો ખાલી કરાવનાર શખ્સોએ ફરી સામાન ગોઠવી દીધો

રાજકોટ શહેરમા દાણાપીઠ બજારમા મસ્જીદ પાસે આવેલી 3 દુકાનમાથી મસ્જીદના ટ્રસ્ટી સહીત પાંચ શખ્સોએ સામાન બહાર ફેકી દેતા વેપારીઓમા રોષ છવાયો છે. આ ઘટના સામે આવતા જ સાંજના સમયે ક્રાઇમ બ્રાંચ અને એ ડીવીઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને બંનેના પ્રશ્ર્નો સાંભળી અને બાદમા વેપારીઓની ફરીયાદ પરથી મસ્જીદના ટ્રસ્ટી સહીત પાંચ શખ્સો સામે વેપારીઓની દુકાનમા ગેરકાયદેસર પ્રવેશ કરી માલ સામાન દુકાનની બહાર ફેકી દઇ ધમકી આપ્યાનો ગુનો નોંધવામા આવ્યો હતો. આ મામલે હવે આરોપીઓએ ફરી બધો સામાન દુકાનમા મુકી કાયદેસરની પ્રક્રિયા કરી દુકાન ખાલી કરાવશે તેવુ પોલીસ સમક્ષ રટણ કર્યુ છે.

વધુ વિગતો મુજબ શહેરના રેસકોર્ષ રોડ ગેલેકસી સિનેમાની પાછળ કિરણ સોસાયટી બ્લોક નં 17-18 મા રહેતા વિરેન્દ્રભાઇ કલ્યાણજીભાઇ કોટેચા નામના વૃધ્ધ વેપારીએ નવાબ મસ્જીદના ટ્રસ્ટી ફારૂક મુસાણી અને તેની સાથે આવેલા અજાણ્યા 4 શખ્સો સામે વેપારીઓની દુકાનમા ગેરકાયદેસર ઘુસી અને માલ સામાન ફેકી દેવા તેમજ ધમકી આપ્યાની કલમ હેઠળ કાર્યવાહી કરવામા આવી છે. આ મામલે પીઆઇ આર. જી. બારોટની રાહબરીમા પીએસઆઇ બી. એચ. પરમાર તપાસ ચલાવી રહયા છે.

આ ઘટનામા વિરેન્દ્રભાઇ કોટેચા, હસમુખભાઇ મહેતા અને અભિષેકભાઇ ઠકકરની દુકાનમાથી બે દિવસ પહેલા નવાબ મસ્જીદના ટ્રસ્ટી ફારૂક મુસાણીને તેમના સાગ્રીતોએ માલ સામાન બહાર ફેકી દઇ દુકાનો ખાલી કરવા જણાવ્યુ હતુ. ત્યારે વિરેન્દ્રભાઇ અને ત્રણ વેપારીઓએ નોટીસ વગર કોઇ સમય આપ્યા વગર દુકાનો ખાલી કરાવતા પોલીસ બોલાવી હતી અને પોલીસે બંને પક્ષને સાંભળી ફારૂક મુસાણી સહીત પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. આ ઘટનામા ડીસીપી બાંગરવાએ મીડીયા સમક્ષ જણાવ્યુ હતુ કે કાયદાકીય પ્રક્રીયા મુજબ સૌપ્રથમ નોટીસની બજવણી કરી પોલીસ પ્રોટેકશન માંગી અને પોલીસની હાજરીમા ભાડા પટ્ટાની દુકાન ખાલી કરવામા આવતી હોય છે ત્યારે આ ઘટનામા મસ્જીદના ટ્રસ્ટી ફારૂક મુસાણીએ કોઇપણ જાતની નોટીસ વેપારીઓને આપી નહોતી. ત્યારે ગઇકાલે સાંજે આ ઘટનામા ગુનો દાખલ થયા બાદ ફારૂક મુસાણીએ એવુ નિવેદન આપ્યુ હતુ કે હવે મસ્જીદનુ ટ્રસ્ટ કાયદાકીય પ્રક્રીયા મુજબ કાર્યવાહી કરી દુકાન ખાલી કરાવશે. ત્યારબાદ બહાર પડેલો સામાન ફરી દુકાનમા મુકી દેવામા આવ્યો હતો.

 

Exit mobile version