રાજકોટમાં તાજેતરમાં ઈન્દિરા સર્કલ પાસે સિટીબસ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થતાં મહા નગરપાલિકા દ્વારા મૃતકોના વારસદારોને તાબડતોબ રૂા. 15 લાખની સહાય આપવામાં આવી હતી. પરંતુ ગત તા. 5/12/2024ના રોજ પોપટપરા રેલનગર વિસ્તારમાં સિટી બસ હડપેટે સંગીતાબેન માકડિયા નામની ગરીબ મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આમ છતાં આજ સુદી કોર્પોરેશન દ્વારા એક રૂપિયાની પણ સહાય નહી ચુકવાતા મૃતક મહિલાના પતિ ગંગારામ માંકડિયા અને તેની 15 વર્ષની પુત્રીએ પમ વળતરની માંગણી કરી છે.
ગંગારામ માકડિયાએ જણાવ્યું હતું કે, તેના પત્નીને હડફેટે લેનાર સિટીબસ ચાલકને ચાલુ બસે હાર્ટએટેક આવી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ડ્રાઈવરની ઉંમર પણ 68 વર્ષની હતી તેમ છતાં એજન્સીે તેને ડ્રાઈવીંગ સોંપી દઈ ગંભીર બેદરકારી દાખવી હતી.
તેમણે આક્ષેપ કર્યો હતો કે, પોલીસે આ ઘટનામાં બેદરકારી દાખવનાર એજન્સી કે, કોર્પોરેશન સામે ફરિયાદ નોંધવાના બદલે સીટીબસના મૃતક ડ્રાઈવર સામે ગુનો નોંધાવ્યો છે. જેથી અમને કોઈ વળતર મળ્યુ નથી.
આ બારામાં ગંગારામ માકડિયાએ મેયર, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તેમજ અધિકારીઓ સમક્ષ અવારનવાર રજૂઆતો કરી હોવા છતાં આજ સુધી વળતર ચુકવાયેલ નથી.
ગંગારામ ભાઈના મૃતક પત્ની સંગીતાબેન ઘરે સાડીઓમાં સ્ટોન ચોડાડી અને છુટક સાડીઓ વહેંચી ઘરનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ તેમના મોતથી પરિવાર નોંધારો થઈ ગયો છે. 15 વર્ષની પુત્રી અને નાંદુરસ્ત ગંગારામભાઈ ભાડાના મકાનમાં રહે છે. ત્યોર કોર્પોરેશનના સતાધિશો તેમને વળતર ચુકવી ન્યાય આપે તેવી માંગણી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, અમે ગરીબ હોવાથી અમારો અવાજ કોઈ સાંભળતુ નથી.

