બોલિવૂડના દિગ્ગજ ફિલ્મમેકર કરણ જોહરે જણાવ્યું છે કે તેઓ તેમની 20 વર્ષ જૂની હિટ ફિલ્મ ’કભી અલવિદા ના કહેના’ પર વેબ સિરીઝ બનાવી રહ્યા છે. શાહરૂૂખ ખાન, રાની મુખર્જી, પ્રીતિ ઝિંટા અને અભિષેક બચ્ચન જેવા કલાકારોથી સજ્જ આ ફિલ્મની વાર્તાને હવે ડિજિટલ પ્લેટફોર્મ માટે લાંબા ફોર્મેટમાં (એપિસોડિક) તૈયાર કરવામાં આવશે.
કરણ જોહરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વર્ષ 2006માં જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મના વિષય ’ઈન્ફિડિલિટી’ (લગ્નેતર સંબંધો) ને કારણે ઘણા પ્રેક્ષકો અસ્વસ્થ થયા હતા. કરણે એક રસપ્રદ કિસ્સો પણ સંભળાવ્યો કે કેવી રીતે ફિલ્મ જોતી વખતે એક દંપતી સિનેમાઘરમાંથી અધવચ્ચેથી ઉઠીને નીકળી ગયું હતું. તેમણે કહ્યું કે લોકો પોતાની જિંદગીની હકીકતોને સ્ક્રીન પર જોવાનું પસંદ કરતા નથી, પરંતુ હવે આ વાર્તાને વેબ સિરીઝના ફોર્મેટમાં વધુ ઊંડાણપૂર્વક રજૂ કરવામાં આવશે.
આ ઉપરાંત, કરણ જોહરે તેમના લોકપ્રિય ટોક શો ’કોફી વિથ કરણ’ ની 9મી સીઝન વિશે પણ અપડેટ આપ્યું છે. આ સીઝન આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે. કરણ હાલમાં તેની અપકમિંગ પ્રોજેક્ટ્સને લઈને પણ ચર્ચામાં છે. અગાઉ તેમણે ’કુછ કુછ હોતા હૈ’ ની મોર્ડન કાસ્ટિંગ વિશે પણ ચર્ચાઓ કરી હતી, જેમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ અને અનન્યા પાંડેના નામ સામે આવ્યા હતા. હવે ’કભી અલવિદા ના કહેના’ ના નવા અવતાર માટે દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

