Site icon Gujarat Mirror

ફોલ્ટ સેન્ટરના કર્મચારી ફોનનું રિસિવર બાજુમા મુકી સૂઇ ગયા!

ગાંધીગ્રામ વિસ્તારમાં મધરાત્રે દોઢ કલાક સુધી વીજ પૂરવઠો ખોરવાઇ જતા લોકો આકુળ વ્યાકુળ, ટોળુ ફોલ્ટ સેન્ટરમાં ત્રાટકતા લાલિયાવાડી ખૂલ્લી પડી

રાજકોટમાં 133 વર્ષના ઇતિહાસમાં સૌથી ભીષણ ગરમી પડી રહી છે. અને લોકો ગરમીમાં ધલવલી રહ્યા હોવાથી સવારે 11 વાગ્યા બાદ વીજ પૂરવઠો જાળવી રાખવા માટે શટડાઉન નહીં કરવા હજુ ગઇકાલે જ પીજીવીસીએલના એમ.ડી.એ તમામ વીજ સર્કલના અધિકારીઓ અને ઇજનેરોને સુચના આપી હતી. ત્યા પીજીવીસીએલના ફોલ્ટ સેન્ટરની લાલિયાવાડી ખૂલ્લી પડી ગઇ છે.

જામટાવર ફોલ્ટ સેન્ટરમાં મધરાત્રે બે કર્મચારી ફોનનું રિસિવર બાજુમાં મુકીને લોકોએ ઉધતા ઝડપી લેતા ભારે ધમાલ મચી ગઇ હતી. જો કે, પીજીવીસીએલના જવાબદાર અધિકારીઓએ ફોલ્ટ સેન્ટરના બેદરકાર કર્મચારીઓ સામે તપાસ કરી પગલા ભરવાની ખાતરી આપી છે.

મળતી માહિતી મુજબ કાળઝાળ ગરમી વચ્ચે ગતરાત્રે બે વાગ્યે દોઢેક કલાક સુધી ગાંધીગ્રામ વિસ્તારમાં વીજ પૂરવઠો ખોરવાઇ જતા લોકો પરસેવે રેબ ઝેબ થઇ ગયા હતા. વીજ પૂરવઠો પૂર્વવત કરવા જામટાવર ફોલ્ટ સેન્ટરમાં લોકોએ અનેક વખત કોલ કર્યા હોવા છતા ફોન સતત એંગેજ આવતો હોવાથી ગરમીથી ત્રાસેલુ લોકોનું ટોળુ મધરાત્રે ફોલ્ટ સેન્ટરે પહોંચ્યુ હતુ અને ત્યા જઇને જોતા ફોલ્ટસેન્ટરના બે કર્મચારી ફોનનું રિસિવર બાજુમાં મુકી નારાતે ઉંધ માણતા ઝડપાઇ ગયા હતા.

મધરાત્રે અચાનક ટોળુ ત્રાટકતા ફોલ્ટ સેન્ટરના કર્મચારી હેબતાઇ ગયા હતા અને અલગ-અલગ બહાના બતાવવા લાગ્યા હતા. લોકોએ ફોલ્ટ સેન્ટરના ફોનનું રિસિવર બાજુમાં મુકી સુતેલા કર્મચારીનો વીડિયો ઉતારી વાઇરલ પણ કર્યો હતો.

જે વીડિયો વાયરલ થયો છે તેમાં જોઇ શકાય છે કે, કર્મચારી પોતાની ખુરશી પર સૂતો છે અને ટેલિફોનનું રીસીવર નીચે પડેલું છે. આ ઘટનાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પીજીવીસીએલ કંટ્રોલરૂૂમની બેદરકારી મામલે અધિકારી અતુલ વ્યાસે જણાવ્યું હતું કે અમારા ધ્યાને પણ આ વાત આવી છે.અમારા ગ્રાહકો હેરાન થાય તેવું ન થવું જોઈએ.આ ઘટનામાં જે કર્મચારીની બેદરકારી છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. કંટ્રોલરૂૂમના કર્મચારીઓ ફરી આ પ્રકારની હરકત ન કરે તેની તકેદારી રાખવામાં આવશે.સમગ્ર મામલાને પીજીવીસીએલ દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યો છે.ગઈકાલે ગાંધીગ્રામ વિસ્તારમાં ટેકનિકલ ખામીના કારણે લાઈટ જવાની ઘટના બની હતી.

શેઠની શિખામણ ઝાંપા સુધી
સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની કારણે લોકો આકુળ-વ્યાકુળ થઇ રહ્યા છે. ત્યારે પીજીવીસીએલના મેનેજીંગ ડીરેકટર દ્વારા તમામ સર્કલના એમ.ડી.ને સવારના 11 વાગ્યા બાદ શટડાઉન કરવાની મનાઇ કરવામાં આવ્યાના ગણત્રીના કલાકોમાં જ આવી ઘટના બનતા લોકોમાં રોષ ફેલાયો છે. એમ.ડીએ સ્પષ્ટ કહ્યું હતું કે ગરમીના કારણે પ્રિ-મોન્સુન કામગીરી 11 વાગ્યા પછી ન કરવી જો જેટકો દ્વારા શટડાઉન હોય તો તેની સાથે આ કામગીરી પણ કરી લેવી.

Exit mobile version