Site icon Gujarat Mirror

કલેકટર તંત્રને મેળો ફળ્યો, 70 લાખની આવક, 25 લાખ મુખ્યમંત્રી ફંડમાં આપ્યા

રાજકોટમાં યોજાયેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને પ્રખ્યાત લોકમેળો કલેક્ટર તંત્ર માટે સફળ સાબિત થયો છે. જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આયોજિત આ મેળામાં અપેક્ષા કરતાં વધુ આવક થઈ છે. જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશના જણાવ્યા અનુસાર, મેળાના આયોજન પાછળ અંદાજે રૂ. 2.07 કરોડનો ખર્ચ થયો છે, જ્યારે આવક રૂ. 2.72 કરોડ થઈ છે, જેના પરિણામે તંત્રને લગભગ રૂ. 70 લાખનો ચોખ્ખો નફો થયો છે.

મેળામાં ભાગ લેનારા વેપારીઓ અને ફેરિયાઓ માટે પણ આ મેળો ખૂબ જ લાભદાયી રહ્યો. કલેક્ટરના અંદાજ મુજબ, વેપારીઓને રૂ. 50 કરોડથી વધુનો વકરો થયો છે. નાના-મોટા વેપારીઓના વેચાણ, રિક્ષાભાડા અને અન્ય ખર્ચ સહિત લગભગ રૂ. 50 કરોડનું અર્થતંત્ર મેળા દરમિયાન ગતિશીલ બન્યું હતું. આ સફળતાની સાથે, કલેક્ટર તંત્ર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી રાહત નિધિ માટે રૂ. 25 લાખનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો. પાંચ દિવસ ચાલેલા આ લોકમેળામાં અંદાજે 15 લાખથી વધુ નાગરિકોએ મુલાકાત લીધી હતી.

ખાસ કરીને સાતમ-આઠમના બે દિવસમાં 6 લાખથી વધુ લોકો મેળામાં ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત, રાજકોટના અન્ય ફરવાના સ્થળોએ પણ બહારગામથી આવેલા લોકો સહિત કુલ 22 લાખ લોકોએ ભંગાર રસ્તા અને ટ્રાફિક જામની સમસ્યા વચ્ચે પણ મોજ-મસ્તી માણી હતી, અને રોજિંદા જીવનની ઘટમાળમાંથી રાહત મેળવી હતી.

Exit mobile version