મિલકત વેરામાં વધારાની દરખાસ્ત રદ કરી જકાત ગ્રાન્ટ વધારીશું તેવી ગુલબાંગો પોકારી હાથ ઉંચા કરી દેતા ભારણ વધ્યું
મહાનગરપાલિકાની મુખ્ય આવક લોકોને અપાતી આવશ્યક સેવાઓમાંથી ઉભી કરવામાં આવતી હોય છે. મિલકત વેરો, પાણી વેરા, એફએસઆઈ, વ્યવસાય વેરો તંત્રની મુખ્ય આવક રહી છે. ખર્ચ અને મોંઘવારી વધતાં તંત્ર દ્વારા અમુક સમયે આ પ્રકારની સેવાઓની ફીમાં વધારો કરવાનું સુચન કરતું હોય છે. છેલ્લા બે બજેટ દરમિયાન મિલકત વેરાના કાર્પેટ એરિયામાં વધારો કરવાની દરખાસ્ત કમિશ્નર વિભાગ દ્વારા કરવામાં આવી હતી પરંતુ મતદારોની નારાજગી ટાળવા શાસકોએ બન્ને વખત દરખાસ્ત રદ કરી રકમ સરભર કરવા માટે જકાતની ગ્રાંટમાં 70 કરોડનો વધારો કરાવી દેશું તેવા બણગા ફુંકેલા અને આજે ચુંટાયેલ પાંખની મુદત પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આ 70 કરોડનું શું થયું છે તેનું આજ સુધી જાણવા મળેલ નથી જેના કારણે મનપાની તિજોરી પર ફરી એક વખત ભારણ વધ્યું છે.
રાજ્ય સરકારે મહાનગર પાલિકાઓ સહિતનાઓમાંથી જકાત નાબૂદી કરી ત્યારે કોર્પોરેશનની જકાતની આવકના આધારે ગ્રાંટ ફાળવવાનું શરૂ કર્યુ હતું. જેમાં દર વર્ષે 10 ટકાનો વધારો કરવામાં આવે તેવો ઉલ્લેખ પણ કરાયેલ પરંતુ આટલા વર્ષો બાદ જકાતની ગ્રાંટમાં સરકારે બનાવેલા નિયમ મુજબ વધારો થયો નથી. જેની સામે તંત્ર એ આવક વધારવા માટે અને ખર્ચ સરભર કરવા દર વખતે બજેટમાં આવશ્યક સેવાઓમાં મામુલી ફી વધારો કરવાની દરખાસ્ત રજુ કરી હતી. જેમાં છેલ્લા બે વર્ષથી મિલ્કત વેરા કાર્પેટ એરિયામાં વધારો કરવાની દરખાસ્ત કરેલ પરંતુ સ્ટેન્ડીંગમાં આ દરખાસ્ત ફગાવવામાં આવેલ અને જણાવેલ કે જકાતની ગ્રાંટમાં જે ગાબડુ પડી રહ્યું છે તે પુરવા માટે સરકાર પાસે 70 કરોડની વધુ ગ્રાંટ માંગવામાં આવશે. આ પ્રકારની વાત છેલ્લા બે વર્ષથી ચાલુ છે પરંતુ આજ સુધી જકાતની ગ્રાંટમાં વધારો થયો નથી. તેમ જાણવા મળેલ છે.
સુત્રોના જણાવ્યા મુજબ, હાલ મહાનગરપાલિકાની તિજોરી તળીયા ઝાટક છે. ગ્રાંટના આધારે તમામ કામ ગબડાવવામાં આવી રહ્યાં છે ત્યારે દર વર્ષે મળતી એક ચોક્કસ જકાતની રકમમાં જો વધારો થાય તો મહાનગરપાલિકાના મેન્ટેનન્શ ખર્ચમાં મોટી રાહત થાય તેમ છે પરંતુ શાસકોએ ફકત મિલકત વેરા વધારાની દરખાસ્ત ફગાવવા જે તે સમયે 70 કરોડની ગ્રાંટ મળી જશે તેવા બણગા ફુંકેલ જે સુરસુરીયું થઈ ગયું છે.
કારણ કે સરકાર દ્વારા જકાત ગ્રાંટમાં વધારો કરવામાં આવે તો ફકત રાજકોટ મહાનગરપાલિકા નહીં પરંતુ રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગર પાલિકાઓને તેનો લાભ આપવો પડે છે જેના માટે પૂર્વ તૈયારીઓ સાથે તમામ મહાનગરપાલિકાઓ પાસેથી પણ સુચનો મંગાવવા પડે છે અને આ કાર્યવાહીમાં સમયે લાગતો હોય છે પરંતુ આજ સુધી સરકાર દ્વારા આ મુદ્દે કોઈ કાર્યવાહી થઈ નથી કે શાસકો દ્વારા આ મુદ્દે રજૂઆત કરવામાં ન આવી હોય કોઈપણ કારણોસર આજ સુધી જકાતની ગ્રાંટ માટે 70 કરોડનો વધારો લાગુ થયો નથી અને આગામી દિવસોમાં પણ સરકાર નિયમ મુજબ તમામ મનપા અને નપામાં વધારો કરે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાને વધુ જકાત ગ્રાંટ મળવા પાત્ર છે.
સરકાર પુષ્કળ પૈસા આપે છે પરંતુ કામ થતાં નથી
રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીની દયનીય હાલત છે મોટાભાગનાં કામ ગ્રાંટ આધારિત થઈ ગયા છે. આ મુદ્દે સુત્રોએ જણાવેલ કે મહાનગરપાલિકાની થતી તમામ આવક કર્મચારીઓના પગાર અને મેન્ટેનન્શ કામમાં વપરાય જાય છે. બ્રીજ, રોડ, રસ્તા સહિતના કામો માટે સરકાર દ્વારા અલગ અલગ હેડ હેઠળ ગ્રાંટ ફાળવવામાં આવી રહી છે. સરકાર હાલમાં કોઈપણ પ્રોજેકટ માટે જોઈએ તેટલા પૈસા આપી રહી છે પરંતુ તંત્રની અણઆવડત અને સંકલનના અભાવે અનેક જરૂરીયાતના કામો થતા નથી. જેના લીધે શહેરનાં વિકાસમાં અવરોધો આવી રહ્યાં છે.

