Site icon Gujarat Mirror

નહેરુનગરમાં લુખ્ખાઓનો આતંક: હોટેલ સંચાલક પર હુમલો, તોડફોડ

ભાડુઆત સાથે માથાકૂટ થયા બાદ મકાન માલિકે કુખ્યાત ગેંગને મકાન ખાલી કરાવવાનો હવાલો આપ્યો

સરાજાહેર આતંક મચાવતા રાત્રે લોકોના ટોળા એકત્ર થયા, 15 શખ્સો સામે ગુનો : પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

શહેરના રૈયા રોડ પર નહેરૂૂનગર શેરી નંબર 5માં આવેલા ફૌજી રેસ્ટોરન્ટ પાસે રાત્રિના ભોમેશ્ર્વરની ટોળકીએ તલવાર પાઇપ સહિતના હથિયારો સાથે ધસી આવી સોડા બોટલોના ઘા કરી આતંક મચાવી મારામારી કરતાં બે લોકો ઇજાગ્રસ્ત થયાં હતાં. આ મામલે જાણવા મળ્યું હતું કે,નહેરુનગરમાં ભાડાના રહેતા મહિલાનું મકાન ખાલી કરાવવા બાબતે આ હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં બચાવવા પડેલા હોટેલ સંચાલક સહિતનાઓને મારમાર્યો હતો અને હોટેલમાં પણ તોડફોડ કરી હતી.આ ઘટનાના પગલે નેહરૂૂનગરમાં લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.આ મામલે મહિલાની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે 15 શખસો વિરુદ્ધ રાયોટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ,નહેરુનગર રઝાનગર શેરી નંબર 2માં રહેતા રોજીનાબેન સમીર હુસેન સૈયદ (ઉ.વ 39) દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભોમેશ્વરમાં રહેતા અહેમદ ઉર્ફે આમભાઈ સાંધ, ઇસો ડાડો, અજીત ઉર્ફે ટકો, સદામ દલવાણી (રહે. રઘુનંદન સોસાયટી પોપટપરા), ફારુક શેખ તથા તેની સાથેના 10 અજાણ્યા શખસોના નામ આપી જણાવ્યું હતું કે,આરોપી ફારુક શેખના માલિકીનું મકાન જેમાં તેઓ વર્ષોથી ભાડે રહે છે.ગઈકાલે ફારૂૂક કહેવા લાગ્યો હતો કે મારે હવે આ મકાન સાથે કોઈ લેવાદેવા નથી તમારે હવે આ અહેમદ સાથે મકાન બાબતે સમજવાનું છે તેમ કહી રોજીનાબેન સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા અને અહેમદભાઈ એ કહ્યું કે ફારુકે મને મકાન વેચવાનું છે તમે મકાન ખાલી કરી દેજો.

ત્યારબાદ ગઈકાલ રાત્રિના 10:30 વાગ્યા આસપાસ નેહરૂૂનગર શેરી નંબર 5 ફૌજી હોટેલવાળી બંધ શેરીમાં રહેતા મહિલાના ઘરે તલવાર, ધોકા, પાઇપ સહિતના હથિયારો સાથે ધસી જઇ ટોળકીએ માથાકૂટ કરી તેને મારમાર્યો હતો.દરમિયાન બાજુમાં આવેલા ફૌજી હોટેલવાળા ઇમરાનભાઈ શેખ સહિતના વચ્ચે પડતા આ શખસોએ રેસ્ટોરન્ટમાં સોડા બોટલમાં છુટા ઘા કરી તેમજ ધોકા પાઇપથી દુકાનમાં તોડફોડ કરી હતી. હુમલામાં સોહિલ નામના યુવાનને માથાના ભાગે સોડાની બોટલ લાગતા તેમને ઇજા થઇ હતી.

ફરિયાદી પાસેથી ખાલી કરાવવા માટે તેમના ઘરે અગાઉ ફારૂૂકે ઘરે આવી ઝઘડો કર્યો હતો.બાદમાં તેનો ખાર રાખી તેણે મકાન ખાલી કરાવવા ભોમેશ્વરની આ ટોળકીને હવાલો આપતા ગઈકાલે રાત્રિના કુખ્યાત ટોળકી હથિયારો સાથે અહીં ધસી આવી હતી અને મહિલા તથા તેના પરિવારજનો સાથે મારકૂટ કરી હતી.જેથી બચાવવા વચ્ચે પડતા હોટેલ સંચાલક સહિતનાઓને પણ મારમાર્યો હતો.દરમિયાન આરોપીઓ પૈકી એકને અહીં એકત્ર થયેલા લોકોએ પકડી પોલીસને સોંપ્યો હતો. આરોપીઓ પૈકી અહેમદ આમ આદમી પાર્ટીનો કાર્યકર હોવાનું અહીં એકત્રીત લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું.આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે આરોપીઓ સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.આ ઘટના બાદ નહેરુનગરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

પોલીસ બે કલાક મોડી પડતા લોકો પોલીસ કમિશનર બંગલે રજૂઆત કરવા પહોંચ્યા હતા
નેહરુનગરમાં રાત્રીના ગુંડાતત્વોએ ઘાતક હથિયારો ધારણ કરી હુમલો કરી ફૌજી હોટેલમાં તોડફોડ કરી હતી.આ ઘટનાને લઇ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હુમલામાં ભોગ બનનારે એવો આક્ષેપ કર્યો હતો કે, આરોપીઓએ ધમકી આપી હતી કે તે અહીં આવી હુમલો કરશે જેથી તુરંત પોલીસ કંટ્રોલ રૂૂમમાં જાણ કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં પોલીસ બે કલાક બાદ આવતા રાત્રીના અલગ અલગ ત્રણ રિક્ષામાં મહિલાઓ કમિશનર બંગલે રજૂઆત કરવા પહોંચી હતી.જોકે પોલીસે અહીંથી તેમને ફરિયાદ માટે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને જવાનું કહી રવાના કરી દીધા હતા.

Exit mobile version