આપણા શરીરમાં અનેક કીટાણુઓ (Parasites) હોય છે, તેમાં અમુક સારા અને અમુક ખરાબ હોય છે. કૃમિ કે કરમિયા આંતરડાંમાં રહેતા ખરાબ કીટાણુ. જે દેશો ગરમીપ્રધાન હોય તે દેશોમાં આ રોગ વધુ પ્રમાણમાં થાય છે. તેથી ભારત દેશમાં આ રોગ વિસ્તૃત પ્રમાણમાં છે. તેમાં પણ જ્યાં બહારની સ્વચ્છતા ઓછી હોય, અને ખાન-પાનના સ્થાનોમાં ગંદકી હોય તેવા વિસ્તારોમાં આ બીમારી વધુ પ્રમાણમાં હોય છે. આ રોગ સામાન્ય જણાતો હોવા છતાં ગંભીર છે. કેમ જે, આના દ્વારા શરીરમાં અન્ય રોગ પ્રવેશવાની ખૂબ જ સંભાવના છે. આંતરડાંમાં કૃમિ હોવાનાં લક્ષણો ઘણીવાર અઠવાડિયાઓ અને કોઈકવાર તો વર્ષો પછી જણાય છે.
કૃમિ કે કરમિયા એક તેવા પરજીવી છે જે આપણા શરીરની અંદર રહીને પોષણ મેળવે છે. આમાંથી કેટલાક પરજીવી હાનિકારક હોય છે તો કેટલાક ખૂબ જ ખતરનાક. જે પરજીવી શરીરને નુક્શાન પહોંચાડે છે તે વર્ષો સુધી શરીરમાં રહે છે અને આપણને ખબર પણ નથી પડતી. અને ધીરે ધીરે આજ કારણે આપણું શરીર અંદરથી ખોખલું થઇ જાય છે.
સૌથી પહેલા જાણીએ કે, શા માટે કરમિયા થાય છે.
– દૂષિત પાણી પીવું ,
– ગંદકી વાળી જગ્યામાં રહેવું અથવા ભોજન બનાવવું,
– ભૂખ ન હોવા છતાં જમવું,
– વધુ પડતા ગળ્યા, ચીકાશવાળા અને ખાટા પદાર્થો જમવા
– મેંદાની વાનગીઓ જમવી તથા વધુ પડતાં ઠંડા પદાર્થોનું સેવન કરવું.
– લાંબા સમયની કબજિયાત,
– રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવી.
– વીટામીન અને ખનીજોની ખામી હોવી.
અનિદ્રા
કરમિયાના કારણે તંત્રિકા પર પણ ખરાબ અસર થાય છે જેનાથી અનિંદ્રાની સમસ્યા પણ ઊભી થાય છે અને ઓછી નિંદ્રાના કારણે આપણા દૈનિક કાર્યો પણ બગડે છે. અને સ્વભાવ પણ ચીડયો થાય છે.
કબજિયાત
શરીરના આંતરડા નબળા પડે છે અને તેનાથી વારંવાર કબજિયાત અને ડાયરિયાની સમસ્યા ઊભી થાય છે.
ત્વચા સંબંધી રોગ
ત્વચા સંબંધી બિમારી પણ થાય છે, સફેદ ડાધ, ચકતા પડવા પણ આ જ કારણે થાય છે.
દાંત પીસવા
પેટનાં જીવડાના કારણે ઊંધમાં દાંત પીસવાની સમસ્યા પણ રહે છે. જે સામાન્ય રીતે બાળકોમાં જોવા મળતી હોય છે. અને તેનાથી તેમનો વિકાસ રોકાઇ જાય છે.
શરીરમાં દર્દ
પરજીવીઓ એક સ્થળેથી બીજી જગ્યાએ જતા રહેતા હોય છે તેનાથી શરીરના અલગ અલગ ભાગમાં દુખાવો રહે છે.
થાક લાગવો
વારંવાર થાક લાગવો, કામ કરવામાં મન ના લાગવું તે પણ પરજીવીઓ હોવાની નિશાની કારણ કે પરજીવી આપણા શરીરનું પોષણ આપણાથી લઇ લે છે. અને આપણે જલ્દી થાકી જઇએ છીએ. તો જો આવું હોય તો ડોક્ટરની સલાહ ચોક્કસથી લેજો.
કૃમિ કે કરમિયાના ઉપચારો :
– અજમો કૃમિના ઉપચાર માટે શ્રેષ્ઠ દવા છે. તેની અંદર થાઈમોલ હોવાથી તે બધા જ કૃમિને જડમૂળમાંથી નાશ કરે છે. અડધી ચમચી અજમા સાથે 1 ચમચી આદુનો રસ સવારે અને રાત્રે ગોળ સાથે લેવો.
– દરરોજ ર થી 3 ચમચી કારેલાનાં પાનનો રસ પીવાથી કૃમિ મટે છે.
– લીમડાનો રસ અઠવાડિયા સુધી લેવાથી કૃમિ જડમૂળમાંથી નાશ થાય છે.
– સૂંઠ અને વાવડિંગનું ચૂર્ણ મધ કે પાણીમાં લેવાથી કૃમિ મટે છે.
– એક ચમચી હળદર અને ચપટી મીઠું રોજ અડધા કપ ગરમ પાણીમાં નાંખીને સવારે ભૂખ્યા પેટે લેવાથી કૃમિ નાશ થાય છે.
– કાંદાનો રસ પુષ્કળ પ્રમાણમાં સલ્ફર ધરાવે છે. જે કરમિયાંનો નાશ કરે છે. દિવસ દરમ્યાન એક વાર કાચા કાંદાનો રસ કરમિયાંમાંથી મુક્તિ અપાવે છે.
– દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ ઉપયોગી બેક્ટેરિયાના ઉત્પાદનમાં અને હાનિકારક પરોપજીવીઓના નાશ માટે અનિવાર્ય છે. રોજિંદા આહારમાં દહીંની પર્યાપ્ત માત્રા ખૂબ જરૂૂરી છે.
– સ્ટ્રોબેરી,આમળા, શેતૂર, ફાલસા જેવાં ફળો એન્ટીઓક્સિડન્ટની સાથે સાથે એલાજિતેનીન નામનું રંગક્ર ધરાવે છે જે પરોપજીવીઓની સંખ્યામાં વધારો થવા દેતું નથી. આથી સીઝનમાં આ ફળોનું ભરપૂર સેવન કરવું જોઈએ.
– હળદરવાળું દૂધ પીવું ખાસ કરીને લીલી હળદર આંતરડાને હાનિકારક જીવોથી મુક્તિ અપાવે છે
કૃમિ તે કફનો રોગ છે, તેથી કફનાશક પદાર્થો ખાસ લેવા. ગળ્યા, ખારા અને મેંદાવાળા પદાર્થોનો ખાસ ત્યાગ રાખવો. મરી, જીરું અને સંચળયુક્ત છાશનું સેવન કરવું. ઉકાળેલું અથવા ફિલ્ટર પાણી જ પીવું. શાકભાજી તથા ફળો ખાસ વ્યવસ્થિત ધોઈને જ વાપરવા. બહારથી આવ્યા પછી હાથ-પગ વ્યવસ્થિત ધોવા.

