ઓક્સફર્ડ ઈકોનોમિક્સના રિસર્ચ દ્વારા જાહેર કરેલ આંકડા અનુસાર આગામી બે દસકા એટલે કે 2023થી 2043ના ગાળામાં ભારે પ્રગતિ અને વિકાસ સાધનારા વિશ્વનાં શહેરોમાં ટેક્સ્ટાઈલ સિટી સુરત અને ઈજનેરી સિટી રાજકોટનો સમાવેશ થાય છે. દર વર્ષે વધી રહેલી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડ્કટ એટલે કે જીડીપીના આધાર સાથેનો રિપોર્ટ એમ કહે છે કે વિશ્વના સૌથી ઝડપે વિકસતાં 20 શહેરોમાંથી ભારતના 17 શહેર છે. પ્રથમ 10ની યાદીમાં પણ ભારતીય શહેરો છે અને તેમાં પણ સુરતનો પ્રથમ ક્રમ છે. જોકે, વિશ્વના મહાનગરોના વિકાસની સરખામણીએ ભારતીય શહેરોનો વિકાસ ઓછો જ ગણાશે, પરંતુ ન્યૂ યોર્ક, લંડન કે પેરિસ જેવાં મહાનગરોનો વિકાસ લગભગ સ્થગિત થઈ રહ્યો છે.
ઓક્સફર્ડના ગ્લોબલ સિટીઝ રિસર્ચના વડા રિચાર્ડ હોલ્ટનું કહેવું છે કે ગુજરાતમાં ટેક્સટાઈલ્સ તેમજ ડાયમન્ડ પ્રોસેસિંગ ક્ષેત્રનું વેપાર કેન્દ્ર સુરત વાર્ષિક સરેરાશ 9.17 ટકાની આર્થિક વૃદ્ધિ સાથે શહેરોના વિકાસમાં પ્રથમ તેમજ સરેરાશ 8.33 ટકાની આર્થિક વૃદ્ધિ સાથે વિશ્વમાં સાતમો ક્રમ મેળવી જશે. વિશ્વમાં સૌથી મજબૂત દેખાવ કરનારા અન્ય ભારતીય શહેરોમાં આગ્રા (8.58 ટકા), બેંગલુરુ (8.5 ટકા), હૈદરાબાદ (8.47 ટકા), નાગપુર (8.41 ટકા), તિરુપુર (8.36 ટકા), તિરુચિરાપલ્લી (8.29 ટકા), ચેન્નાઈ (8.17 ટકા) અને વિજયવાડા (8.16 ટકા)નો સમાવેશ થયો છે. નોંધનીય છે કે અર્નસ્ટ એન્ડ યંગના 2021ના રિપોર્ટમાં પણ સૌથી ઝડપથી વિકસિત થતાં મેટ્રો સિટીઝની યાદીમાં આઠ ટકાથી વધુ જીડીપી વૃદ્ધિ સાથે સુરતને સ્થાન અપાયું હતું.
ઓક્સફર્ડ ઈકોનોમિક્સના રિસર્ચમાં જીડીપી, લેબર માર્કેટ, વસ્તી, આવક, ગ્રાહકોની ખર્ચ કરવાની ક્ષમતા જેવા મુદ્દાઓને સાંકળી લેવાયા છે. સુરતને ઝડપથી વિકસતા નગરોમાં પ્રથમ ક્રમ કેમ અપાયો તે પણ નોંધવાં જેવું છે. ગ્લોબલ મેટ્રો મોનિટરના 2021ના રિપોર્ટ અનુસાર વિશ્વના સૌથી પ્રદુષિત શહેરોમાં નામના પામેલી ભારતીય રાજધાની દિલ્હી વિશ્વમાં શ્રેષ્ઠ પરફોર્મન્સ કરનાર 10 મેટ્રો ઈકોનોમીઝમાં છઠ્ઠા ક્રમે છે.
ટોપ 100 મેટ્રો સિટીઝની યાદીમાં હૈદરાબાદ (14), સુરત (19), મુંબઈ (23), બેંગલુરુ (46), કોલકતા (59), અમદાવાદ (86) અને પૂણે (88)નો સમાવેશ થાય છે. સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું ટર્નઓવર 1.58 હજાર કરોડ રૂૂપિયા છે. ઉત્પાદનમાં સુરતનો વિકાસ 1000 ટકા છે જ્યારે નિકાસમાં પણ દર વર્ષે સારો વિકાસ હાંસલ થતો જાય છે. ડાયમંડ બુર્સનું નિર્માણ થયા બાદ 134 દેશના ખરીદારો સીધા સુરતમાંથી ડાયમંડની ખરીદી કરશે.
બીજો મુદ્દો એ છે કે ચીન ટેક્સટાઈલ્સ ક્ષેત્રે ભારતનું મજબૂત હરીફ છે, પરંતુ ત્યાં ઉત્પાદન મોંઘું છે એટલે સુરત સહિત ભારત પાસે પાસે ટેક્સટાઇલમાં તક મોટી છે. સુરત પાસે મૂડીરોકાણ અને લેબર આકર્ષવાની તાકાત પણ વધુ છે. સુરત પાસે ઇમર્જિંગ માર્કેટ છે. સુરતમાં વેસ્ટર્ન કોરિડોર તેમજ લાંબા દરિયાકિનારાના કારણે મેગા ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ અને વૈકલ્પિક વેપારની પણ સારી તક છે.
સુરત વર્ષ 2035 સુધીમાં વિશ્વના ટોપ-10 શહેરોમાં સ્થાન મેળવી શકે છે. વૈશ્વિક અર્થતંત્ર વાર્ષિક સરેરાશ 2.6 ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું છે ત્યારે તેના વિકાસમાં શહેરોનો ફાળો જ મુખ્ય રહેશે. ભારત સહિત સમગ્ર વિશ્વના દેશો માટે આ ચિંતાજનક ગણાવી શકાય કારણ કે શહેરો વિકાસ સાધવા દરમિયાન ગામડાંઓનો કોળિયો કરી જાય છે. શહેરોના તોતિંગ વિકાસ સાથે ગામડાંમાંથી મોટા પાયે સ્થળાંતર સાથે તેની વસ્તી પણ વધતી જશે.
આ વસ્તી માટે જમીન, પાણી, અનાજ જેવાં કુદરતી સ્રોતો ઓછાં પડશે અને પ્રદુષણ વધવા સહિતની સમસ્યાઓનો પણ સામનો કરવાનો આવશે જો કે આ આકડાનું ઉજળું ચિત્ર છે તે વાસ્તવિકતાથી કેટલું નજીક છે? વાસ્તવિકતા કહે છે કે દેશમાં ચાર કરોડ લોકો મધ્યમ વર્ગમાંથી ગરીબીની રેખા નીચે આવી ગયા છે. આવો અણસાર જાણીતા અર્થશાસ્ત્રીઓએ આપ્યો છે.
અહેવાલ બતાવે છે કે ભારતમાં પ્રથમ તબક્કામાં ચાર કરોડ નાગરિકો કે જેઓ મધ્યમ કે ઉચ્ચ મધ્યમ વર્ગનું પારિવારિક જીવન જીવતા હતા તેઓ હવે રેશનિંગની લાઈનમાં ઊભેલા જોવા મળશે. ચાર કરોડ નાગરિકોનો આ પ્રથમ તબક્કો છે. હકીકતમાં વધુ કેટલાક કરોડ લોકો પણ આ જ રસ્તે પતન પામવાના છે એ નિશ્ચિત છે. કોરોનાને કારણે જિંદગીના જે કડવા ઘૂંટડાઓ ભારતીય સમાજે ગળે ઉતારવાના છે એની શરૂૂઆત તો સ્વજનોના અણધાર્યા દેહાન્તથી ક્યારનીય થઈ ગઈ અને હવે એ કડવાશ ઓમિક્રોનના નવા પડઘા સાથે આગળ વધી રહી છે.
હવે તો ગરીબ સમુદાયોની સંખ્યા જ અભિવૃદ્ધ થવા લાગી છે. છેલ્લાં વીતેલા એક વરસમાં જે નવી દરિદ્રતા ભારતીય ક્ષિતિજે ડોકાવા લાગી છે તેને પ્રજાએ સમજવી અને સ્વીકારવી પડશે. એ સમજણ કેળવાશે નહિ તો બહારથી ભાંગવા લાગેલો સમાજ ભીતરથી પણ ભાંગી જશે. કોઈ પણ પરિવારનો મોભી જાદુગર નથી.
જે સ્થિતિ આવી પડી છે તેને પાર કરવા માટે ઘરસંચાલકોના એટલે કે ઘરના મોભીઓના ટેકામાં ઘરના દરેક સભ્યએ ઊભા રહેવું પડશે. આ એક નવી અનિવાર્ય પારિવારિક સભ્યતા છે જેને ખુલ્લા મને સ્વીકારીને અલ્પ સગવડે અધિક જીવન માણતા રહેવું પડશે.

