Site icon Gujarat Mirror

જામનગરના રણમલ તળાવની મધ્યે જળ કિલ્લા જેવી ઇમારતનું સફળ રેસ્ટોરેશન

ઐતિહાસિક નવાનગર- જામનગરની ઓળખ સમાન રણમલ તળાવ તેની મધ્યે આવેલ લાખોટા કોઠાને કારણે આગવું સૌદર્ય ધરાવે છે. લાખોટા કોઠાનું નિર્માણ કાર્ય પણ જામ રણમલજી બીજાનાં શાસન કાળમાં ભુજીયા કોઠાની સાથો સાથ જ થયુ હતુ. ઈ.સ.1839 માં તૈયાર થયેલ લાખોટા કોઠાનો ઉનાળામાં જલ મહેલ જેમ તથા યુદ્ધની સ્થિતિમાં જળ કિલ્લા જેમ બેવડો ઉપયોગ હોવાની માન્યતા છે. 2001 નાં ભૂકંપમાં આ લાખોટો કોઠો પણ ક્ષતિગ્રસ્ત થયો હતો.

જોકે તળાવમાં વચોવચ્ચ હોવાથી ભૂકંપની તીવ્ર અસરથી આ ઇમારત સલામત રહી હતી. પરંતુ દોઢસો વર્ષથી વધુ સમય વીતી જવાને કારણે ઇમારતને નુકસાન તો થયુ હતુ. આખરે નિર્માણ થયાનાં પોણા બસો વર્ષ પછી અને વિનાશક ભૂકંપ ના 14 વર્ષ બાદ ઈ.સ. 2015 માં લાખોટા કોઠાનું રેસ્ટોરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. 19 કરોડનાં ખર્ચે તથા 3 વર્ષનાં પરીશ્રમ પછી લાખોટો કોઠો 2018 માં ફરી પુનરૂૂત્થાન પામ્યો હતો. કોઠાની અંદર પુરાતત્વ વિભાગ સંચાલિત મ્યુઝીયમ પણ આકર્ષણનું કેન્દ્ર છે. ઇતિહાસ સાચવીને બેઠેલો ઐતિહાસિક લાખોટો કોઠો કાળની થપાટો અને ભૂકંપ જેવી આપદાઓ સામે માનવીની ઇચ્છાશક્તિનાં વિજયઘોષનાં શિલાલેખ સમાન છે. મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આ ઐતિહાસિક વારસાને જાળવી રાખવા માં આવી રહ્યો છે જેનું રેસ્ટોરન્ટ કાર્ય પૂર્ણ કરી લેવાયા બાદ જાળવણી પણ કરવામાં આવી રહી છે.

Exit mobile version