અમીન માર્ગ કોર્નરના પ્લોટની હરરાજી સંપન્ન થયા બાદ વાંધેદાર ઉભા થતાં દરખાસ્ત પેન્ડિંગ રાખતી સ્ટેન્ડિંગ કમીટી
મહાનગરપાલિકાની તળીયા જાટક તિજોરી ભરવા માટે તાજેતરમાં અલગ અલગ વિસ્તારોમાં આવેલ 7 પ્લોટ હરરાજીથી વેચવાનો નિર્ણય લેવામાં આવેલ હરરાજીનું સ્થળ અને તારીખ જાહેર થયા બાદ બે પ્લોટ મુદ્દે અરજદારોએ વાંધા અરજી કરેલ છતાં તંત્ર દ્વારા 150 ફુટ રીંગ રોડ ઉપર અમીન માર્ગના ખુણે આવેલ પ્લોટની 106 કરોડમાં હરરાજી સંપન્ન કરી હતી. પરંતુ હરરાજી થયાની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમીટીમાં મંજુર થાય તે પહેલા આ પ્લોટ મુદ્દે એક અરજદારે વાંધા અરજી કરતાં તમામ પ્રક્રિયા અટકી જવાથી સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકર ધુઆફુઆ થઈ ઉઠયા હતાં અને હવે પછી મનપાના પ્લોટ વેચાણમાં કોઈ વ્યક્તિ રોડા નાખે તો તેની વિરૂધ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવે તેમ જણાવી આ મુદ્દે લીગલ વિભાગને પણ જાણ કરવામાં આવી છે.
મહાનગરપાલિકાએ તાજેતરમાં 150 ફુટ રીંગ રોડ પર અમીન માર્ગના ખૂણે આવેલ પ્લોટનું હરરાજીથી 106 કરોડમાં વેચાણ કર્યુ હતું. કોઈપણ જમીન ચોખ્ખી હોય ત્યારે જ ખરીદદાર દ્વારા સ્વિકારવામાં આવતી હોય છે.
અને આ નિયમ પણ અમલમાં છે. હરરાજી પૂર્ણ થતાં મંજુરી માટે દરખાસ્ત આજની સ્ટેન્ડીંગમાં રજૂ કરવામાં આવી હતી પરંતુ હરરાજી એક અરજદારે આ પ્લોટમાં પોતાનો હક્ક છે તેવું જણાવી વાંધા અરજી કરતાં ઓકશન પછીની તમામ પ્રક્રિયાઓ અટકી ગઈ હતી તેવી જ રીતે બાકી રહી ગયેલા હરરાજીનાં 6 પ્લોટ પૈકી બે પ્લોટ માટે પણ વાંધા અરજી કરવામાં આવી છે. આથી આજે સ્ટેન્ડીંગ કમીટીની બેઠક દરમિયાન ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવેલ કે દર વખતે પ્લોટનું વેચાણ થયા બાદ જ વાંધા અરજીઓ આવી રહી છે. આની પાછળ એક ખાસ ગેંગ કામ કરી રહી છે. ફકતને ફકત જ ખરીદનાર પાર્ટી પાસેથી પૈસા પડાવવા અને તંત્રની કામગીરીમાં ખલેલ પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
આથી હવે વાંધા અરજી કરનાર વ્યક્તિ ખોટો ઠરશે ત્યારે તેમની વિરૂધ્ધ કડક પગલાં લેવામાં આવશે અને આ મુદ્દે લીગલ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. આ કાર્યવાહીના કારણે હવે પછી થનાર પ્લોટ વેચાણમાં કોઈ જાતનું વિઘ્ન નહીં આવે અને કડક પગલાંના ડરના કારણે આગામી દિવસોમાં પણ આ પ્રકારની અરજી કોઈ કરશે નહીં તેમ જણાવી હાલ પુરતી હરરાજી થયેલ એક પ્લોટ અને બાકી રહેલા છ પ્લોટ સહિતની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી.

