Site icon Gujarat Mirror

વામ્બે આવાસ પાસે બે જૂથ વચ્ચે પથ્થરમારો: વાહનમાં તોડફોડ

પોલીસ પહોંચતાં બન્ને જુથના લોકો ફરાર, કાર કબજે, ફરિયાદ નોંધવા તજવીજ

અકસ્માત બાદ બન્ને પક્ષે સશસ્ત્ર મારામારી થયાની ચર્ચા, રાત્રે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસને દિવસે કથડતી રહી છે. ત્યારે ગઈકાલે રાત્રિનાં સમયે કાલાવડ રોડ પર આવેલા વામ્બે આવાસ યોજના વિસ્તારમાં અકસ્માત સર્જાયા બાદ બન્ને કારના ચાલકોએ પોતાના સાગ્રીતોને બોલાવી સામસામી મારામારી કરી હતી અને પથ્થરના છુટ્ટા ઘા કરતાં બન્ને કારમાં તોડફોડ થઈ હતી.

આ ઘટનામાં એક વ્યક્તિ ઘવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ આ મારામારીની ઘટનામાં મોડીરાત્રે સામસામે પથ્થરના ઘા કરતાં આજુબાજુના લોકો પણ ઘટના સ્થળે દોડી ગયા હતાં અને કોઈએ પોલીસમાં જાણ કરતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને પોલીસ પહોંચતાં જ આરોપીઓ પોતાના વાહનો ત્યાં જ મુકીને પલાયન થઈ ગયા હતાં. તેમજ ફરી ત્યાં કોઈ ઘટના ન બને માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

જ્યારે તાલુકા પોલીસ મથકમાંથી જાણવા મળ્યું હતું કે સુરેન્દ્રનગર જીઆઈડીસી પાછળ રહેતા માન્સીબેન ક્રિષ્નાકાંત પાઠક નામના મહિલા તેમના પરિવાર સાથે રાત્રિનાં સમયે જડુસ હોટલ આંબેડકર ચોક પાસેથી પસાર થતાં હતાં ત્યારે અજાણ્યા કાર સાથે અકસ્માત સર્જાયો હતો.

જેને લીધે તેઓ ઈજાગ્રસ્ત થયા હતાં. આ ઘટનામાં ઘવાયેલા માન્સીબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે તેમજ કારમાં તોડફોડ અને પથ્થરમારાની ઘટના તાલુકા પોલીસના સુત્રોમાંથી જાણવા મળ્યુ હતું કે હાલ બન્ને પક્ષે કોઈ ફરિયાદ થઈ નથી અને આપ મેળે સમાધાન થઈ ગયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે પોલીસે મુખ્ય રસ્તા પર પડેલી બન્ને કાર જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

જ્યારે બીજી ઘટનામાં ગઈકાલે રાત્રિનાં સાડા દસેક વાગ્યે તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે સાડા દસેક વાગ્યે વામ્બે આવાસ યોજના નજીક બાઈક ચલાવી એક શંકાસ્પદ શખ્સને રોકી તેમની તલાસી લેતા પોતે પીધેલી હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું અને પોતે પોતાનાનું નામ ચિરાગ દિલીપભાઈ પરમાર (રહે.વામ્બે આવાસ યોજના કવાર્ટર બ્લોક નં.23) હોવાનું જણાવ્યું હતું. આ ઘટનામાં પોલીસે તેમની સામે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

Exit mobile version