ગુજરાત
માળિયા હાટીનાના લાઠોદ્રા ગામે વિઝા નહીં મળતા પુત્રનો આપઘાત, આઘાતમાં માતાનું હાર્ટએટેકથી મોત
વિઝા નહિ મળવાના ટેન્શનમાં આધેડ પુત્રએ સેલ્ફોસ ટીકડા ખાઇ જીવન ટુંકાવી લેતા ઘટનાનાં ત્રીજા દિવસે હાર્ટ એટેકથી માતાનું મૃત્યુ થતાં ગમગીની વ્યાપી ગઇ હતી. આ અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર માળીયા હાટીના તાલુકાના લાઠોદ્રા ગામના 53 વર્ષીય અમીરભાઈ હાસમભાઇ એરસીયા નામના આધેડને પરિવાર સાથે લંડન જવું હતું પરંતુ આ માટેના વિઝા મળતા ન હતા. તેમજ અમીરભાઈના પુત્ર અફઝલે અમેરિકા જવા માટે સ્ટુડન્ટ વિઝા મળેલ નહિ. આથી અમીરભાઈ ટેન્શનમાં આવી ગયા હતા.
જેના કારણે અમીરભાઈએ 22 નવેમ્બરના રોજ સેલ્ફોસના ટીકડા ખાઇ લેતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આધેડનું મૃત્યુ થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું. માળીયા પોલીસે મૃતકના પુત્ર અફઝલનું નિવેદન લઇ આગળની કાર્યવાહી કરી હતી. બીજી તરફ પુત્રનાં મોતનો આઘાત જીરવી ન શકતા ઘટનાનાં ત્રીજા દિવસે તેમના 70 વર્ષીય માતા રેમતબેનનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું હતું. માતા, પુત્રના મોતથી મોમીન સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.