Site icon Gujarat Mirror

સૌરાષ્ટ્રમાં અમુક પેટ્રોલ પંપો બંધ, IOCની વહાલા દવલાની નીતિથી આક્રોશ

રૂરલ વિસ્તારનાં અમુક પંપો ઉપર પેટ્રોલ-ડીઝલની સપ્લાય બંધ કરી દેવાયાનો આક્ષેપ, એડવાન્સ પેમેન્ટનો પણ વિરોધ

રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના પેટ્રોલ પંપ સંચાલકોની તાકીદની બેઠક, યોગ્ય નીતિ ઘડવા IOC સમક્ષ માંગણી

ખાડી દેશોમાં યુધ્ધના કારણે પેટ્રોલ ડિઝલ અને ગેસની તંગી વચ્ચે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં કેટલાક પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ ડિઝલનો જથ્થો ખાલી થઇ જતા ભારે દેકારો મચી જવા પામેલ છે. અચાનક અમુક પેટ્રોલ પંપોને પેટ્રોલ-ડિઝલની સપ્લાય આઇઓસી દ્વારા બંધ કરી દેવામાં આવતા સૌરાષ્ટ્ર-કચ્છના પેટ્રોલ પંપ સંચાલકોની આજે તાકીદની બેઠક રાજકોટ ખાતે યોજવામાં આવી હતી.

રાજકોટ ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન ખાતે સવારે રાજકોટ પેટ્રોલ ડીઝલ ડીલર એસો.ના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર-કચ્છના પેટ્રોલ પંપ સંચાલકોની બેઠક ઓઇલ કંપનીના અધિકારીઓ સાથે યોજાઇ હતી જેમાં પેટ્રોલ-ડિઝલની સપ્લાયમાં વહાલા-દવલાની નીતિ ઉપરાંત એડવાન્સ પેમેન્ટ જમા કરાવવાની પધ્ધતી સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક પેટ્રોલ પંપો ઉપર છેલ્લા દસેક દિવસથી આઇઓસી તથા નયારાએ સપ્લાય બંધ કરી દેતા કેટલાક પેટ્રોલ પંપો બંધ થઇ ગયા છે જયારે કેટલાક પેટ્રોલ પંપો માંગે તેટલો પેટ્રોલ-ડિઝલનો જથ્થો ફાળવવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો.

આ ઉપરાંત અત્યાર સુધી આઇઓસી દ્વારા સેઇમ ડે પેમેન્ટ ઉપર પેટ્રોલ- ડિઝલની ડીલેવરી અપાતી હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસથી એડવાન્સ પેમેન્ટની પ્રથા શરૂ કરી દેવામાં આવી છે તેનો પંપ સંચાલકો દ્વારા વિરોધ નોંધાવાયો હતો.

હાલ સૌરાષ્ટ્રમાં અનેક પેટ્રોલ પંપો સપ્લાયના વાંકે બંધ છે. રાજકોટ શહેર તથા જિલ્લામાં પણ 10 જેટલા પેટ્રોલ પંપ ડ્રાઇય છે તેની પાછળ સપ્લાય બંધ હોવાનું જણાવાયું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના પેટ્રોલ પંપોને આઇઓસી દ્વારા સપ્લાયમાં વહાલા-દવલાની નીતિ અપનાવાઇ રહી હોવાનો આક્ષેપ કરાઇ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતો પણ બેરલમાં ડીઝલ ભરવા આવતા હોય તેમની સપ્લાય બંધ થઇ ગઇ છે ત્યારે તમામ પેટ્રોલ પંપોને સમાન ડિલેવરી આપવા અને તંગી હોય તો પેટ્રોલ-ડીઝલના વિતરણ માટે ધોરણો નક્કી કરવા પણ રજુઆત કરવામાં આવી હતી.

દ્વારકામાં પેટ્રોલ-ડીઝલની તંગીથી પંપ પર લાગી કતારો
આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા તણાવની અસર હવે સ્થાનિક સ્તરે પણ જોવા મળી રહી છે. વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાતા યાત્રિકો તેમજ સ્થાનિક લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. શહેરના મુખ્ય બે પેટ્રોલ પંપ પર ઈંધણનો જથ્થો સંપૂર્ણપણે ખાલી થઈ જતા વાહનચાલકોમાં ચિંતા ફેલાઈ છે. યાત્રાધામ દ્વારકામાં શનિવાર અને રવિવારની રજાઓને કારણે મોટી સંખ્યામાં યાત્રિકો ભગવાન દ્વારકાધીશના દર્શન માટે પહોંચ્યા છે. પરંતુ ઈંધણ ખૂટી પડતા અનેક પ્રવાસીઓના વાહનો અટવાઈ ગયા છે અને મુસાફરીમાં વિક્ષેપ સર્જાયો છે. સ્થાનિક લોકો માટે પણ રોજિંદા કામકાજમાં અવરોધ ઉભો થયો છે. પંપ સંચાલકોના જણાવ્યા અનુસાર, હાલ ઉપલબ્ધ સ્ટોક પૂર્ણ થઈ ગયો છે. અને નવા જથ્થાની રાહ જોવાઈ રહી છે.

Exit mobile version