જામનગરમાં મયુર નગર આવાસ પાછળ પીઠડનગરમાં રહેતી અને પોતાની ઘરની અંદર દુકાન બનાવીને તેમાંથી અનાજ કરિયાણાનો વેપાર કરતી હેતલબેન નિલેશભાઈ ગઢવી નામની 35 વર્ષની પરણિત મહિલાએ પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાની દુકાનના માલિક કિસન ઉર્ફે કચરો લખું ભાઈ જોગાણી અને તેના અન્ય ત્રણ સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મહિલા કે જે ભાડાની દુકાનમાં વેપાર કરે છે, તે દુકાન અને મકાન ખાલી કરાવવાના બહાને કિસન ઉર્ફે કચરો પોતાના અન્ય ત્રણ સાગ્રીતો સાથે છરી લાકડી જેવા હથીયાર સાથે ધસી આવ્યો હતો, અને હંગામો મચાવ્યા બાદ ઝપાઝપી કરીને હેતલબેન ગઢવીને માર માર્યો હતો, અને જગ્યા ખાલી કરી જવા માટે દબાણ કરી હેતલબેન અને તેના પતિને મારી નાખવાની ધમકી આપી હોવાથી આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વધુ બે માછીમારી બોટ ચાલક સામે ફરિયાદ
જામનગર નજીકના દરિયામાં વધુ બે માછીમારી બોટ કે જેના રજીસ્ટ્રેશન નંબરો દેખાતા ન હતા, જે બોટ બેડીના દરિયામાં આવી ચડતાં બેડી મરીન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
જે બોટ જામનગરના બેડી વિસ્તારમાં રહેતા આદમ ઈસ્માઈલભાઈ કકલ અને રમજાન ઉંમરભાઈ વાઘેર નામના માછીમારની હોવાનું જાણવા મળ્યું હતું, અને તેના રજીસ્ટ્રેશન નંબર બરાબર દેખાતા ન હોય તેણે ગુજરાત ના ફિઝરીજ ના કાયદાનો ભંગ કર્યો હતો.
આથી બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી એસ પોપટની સુચનાથી પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજભા જાડેજા જાતે ફરિયાદી બન્યા હતા, અને બન્ને બોટના માલિક સામે ફિશરઝ ના કાયદાના ભંગ બદલ ગુન્હો નોંધ્યો છે.
સગીરાનું અપહરણ
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામની સીમમાં એક ખેડૂતના વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના પરપ્રાંતિય શ્રમિક પરિવારની સાડા તેર વર્ષની વયની સગીરાનું તેની વાડીમાંથી અપહરણ થઈ ગયું હતું, અને પરિવારજનો શોધી રહ્યા હતા. દરમિયાન તેઓને માહિતી મળી હતી, કે મૂળ એમ.પી. ના અલીરાજપુર નો વતની અને હાલ ધ્રોલ તાલુકાના હરીપર ગામમાં રહેતો રાકેશ રાજુભાઈ માવી નામનો પરપ્રાંતિય શખ્સ સગીરાને લગ્ન કરવાના ઈરાદાથી ઉઠાવી ગયો હોવાનું જાણવા મળ્યું છે, જેથી સગીરાના પિતાએ ધ્રોલ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાની સગીર પુત્રીનું અપહરણ કરી જવા અંગે રાકેશ માવી સામે ફરિયાદ નોંધાવી છે. જેને પોલીસ શોધી રહી છે.
