પાકિસ્તાનની હારથી અકળાયેલા શોએબ અખ્તરે ચેરમેન નકવીને ‘જાહિલ’ ગણાવ્યો

T20 વર્લ્ડ કપ 2026ની લીગ મેચમાં પાકિસ્તાનનો ભારત સામે કારમો પરાજય થયો હતો. આ હાર બાદ પાકિસ્તાનના પૂર્વ બોલર શોએબ અખ્તર પોતાની બોર્ડના ચેરમેન મોહસિન…

T20 વર્લ્ડ કપ 2026ની લીગ મેચમાં પાકિસ્તાનનો ભારત સામે કારમો પરાજય થયો હતો. આ હાર બાદ પાકિસ્તાનના પૂર્વ બોલર શોએબ અખ્તર પોતાની બોર્ડના ચેરમેન મોહસિન નકવી પર ભડકી ગયા. શોએબ અખ્તરે લાઈવ ટીવી પર નકવીને ’જાહિલ’ અને અયોગ્ય ગણાવી દીધો. શ્રીલંકાના કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલા આ મહામુકાબલામાં પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી. ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા. ભારતે પાકિસ્તાનને 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 18 ઓવરમાં માત્ર 114 રન પર ઓલઆઉટ થઈ ગઈ.

આ હાઈ-વોલ્ટેજ મેચ બાદ શોએબ અખ્તર એક ભારતીય ટીવી ચેનલ પર લાઈવ હતો. આ દરમિયાન તેમણે પાકિસ્તાનની કારમી હાર પર પ્રતિક્રિયા આપતા PCB ના ચેરમેન મોહસિન નકવી પર ભડકી ગયો અને લાઈવ ટીવી પર તેમની આબરુના ધજાગરા ઉડાવી દીધા. તેણે કહ્યું કે, ’જો તમે મને તમારી ચેનલનો ચેરમેન બનાવી દો તો મને શું ખબર કે ચેનલ કેવી રીતે ચલાવાની છે? આવી જ રીતે એક વ્યક્તિને એ નથી ખબર કે ક્રિકેટ કેવી રીતે ચાલે છે અને તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન છે. હવે શું કરી શકીએ. હવે કેવી રીતે ટીમ ચાલશે? તમે કહી રહ્યા છો કે, જે વ્યક્તિને તમે સુપરસ્ટાર બનાવ્યો છે તે એક મેચ ન જીતાડી શકે. તમે એવા વ્યક્તિને સુપરસ્ટાર બનાવ્યો છે જે એક મેચ નથી જીતાડી શકતો.’

શોએબ અખ્તર આગળ કહ્યું કે, ’ભાઈ, જ્યારે તમે આવા લોકોને સ્ટાર બનાવો છો, જ્યારે તમે તેમને પસંદ કરો છો, ત્યારે તમારે આ સમસ્યાનો સામનો કરવો પડશે. પણ શું તમે જાણો છો કે દુનિયાનો સૌથી મોટો ગુનો શું છે? દુનિયાનો સૌથી મોટો ગુનો એ છે કે તમે એક અયોગ્ય વ્યક્તિને જોબ આપી છે. જ્યારે તમે એક અયોગ્ય અને જાહિલ વ્યક્તિને નોકરી આપો છો, ત્યારે તે તમારા દેશને તબાહ કરી નાખે છે. તે કોઈપણ સંગઠનને નીચે પાડી શકે છે. ઉદાહરણ તમારી સામે છે. તમે એટલા સમજદાર તો છો કે, તમે આ સમજી શકો.’