કૃષ્ણ નગરી દ્વારકામાં વેકેશન અને ભીમ અગિયારસનાં તહેવારનાં હિસાબે યાત્રિકોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે ભગવાન દ્વારકાધીશનાં મંદિરનાં છપ્પન સીડી અને સુદામા સેતુ વચ્ચે આવતા રોડ ઉપર ગટરનાં પાણીની નદી વહેવા લાગી હતી. યાત્રિકોએ ફરજિયાત આ ગટરના પાણીમાં પગ બોળીને મંદિરે જવાની ફરજ પડી હતી. આટલું જ નહીં પરંતુ રોડ ઉપર જે ગટરના પાણી વહી રહ્યા હતા તે અંતે પવિત્ર ગોમતી નદીમાં જઈ રહ્યા હતા એટલે કે હજારો કિ.મી. દૂરથી આવીને પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરતા માલિકોના પણ શ્રદ્ધા અને વિશ્વાસ ને ક્યાંક ઠેસ પહોંચી રહી હતી. દ્વારકા નગરપાલિકા ની જવાબદારીમાં આવતી ગટર વ્યવસ્થા અને સફાઈ કામગીરીમાં છેલ્લા ઘણા સમયથી લોલમલોલ ચાલી રહ્યું છે.
થોડા જ સમય પહેલા દ્વારકા નગરપાલિકાની ચૂંટણીમાં દ્વારકાની પ્રજાએ 28 બેઠકોમાંથી 28 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારોને જીતાડ્યા છે. વિરોધ પક્ષ શૂન્ય છે. સનાતન ધર્મ અને હિન્દુવાદની વાત કરતી ભારતીય જનતા પાર્ટીનાં જ સભ્યો અહીં રાજ કરી રહ્યા છે ત્યારે ધર્મ,સંસ્કૃતિ,સફાઈ અને સ્વચ્છતા અભિયાનની મોટી મોટી વાતો કરતાં આ સત્તાધિશો ને કોઈ શરમ આવતી હશે કે નહીં? કે પછી એક વખત સતા આવ્યા બાદ બધું ભુલાઈ ગયું ?
દ્વારકા નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી જે ચીફ ઓફિસર ફરજ બજાવી રહ્યા છે તેના કારનામાં પણ ઓછા નથી. નગરની અંદર દબાણનું પ્રમાણ, ગેરકાયદેસર હોટલોના બાંધકામ અને સફાઈ તેમજ ગંદકી જેવા પ્રશ્નો ચીફ ઓફિસર ક્યારેય ગંભીર થયા નથી. આ ચિફ ઓફિસર સામે ઘણી બધી ગંભીર ફરિયાદો પણ ઉચ્ચ કક્ષાએ થવા છતાં ચીફ ઓફિસર પોતાની સાહેબગીરી છોડવા તૈયાર નથી. ગોમતી નદીમાં યાત્રિકોના ડૂબવાનીથી મરણ થયાની ઘટના હોય કે નગરની અંદર છાશવારે આખલાઓના યુદ્ધથી માણસોનાં જીવ ગયાની બાબતો હોય કે અનિયમિત સફાઈ અને ગંદકીની ગટરોના વહનની વાત હોય આ ચીફ ઓફિસર કોઈને પણ ગાંઠતા નથી.
યાત્રાધામ દ્વારકામાં નાના મોટા અનેક પ્રશ્નો છાશવારે ઉપસ્થિત થતાં હોય છે ત્યારે દ્વારકામાં પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર અને દેવસ્થાન સમિતિનાં ડે.કલેક્ટર ઉપરાંત પોલીસ અધિકારીઓ સંલગ્ન પ્રશ્નો અને સમસ્યાઓ ને દુર કરવા નગરજનોનો સાથ લઈ ને આગળ આવે તેવું દ્વારકાવાસીઓ ઈચ્છી રહ્યા છે.

