જામનગરમાં હવાઈ ચોક વિસ્તારમાં રહેતા એક શખ્સે પોતે સરકારી કામના કોન્ટ્રાકટર હોવાનું દર્શાવી સરકારી કોન્ટ્રાક્ટ ના કામમાં નાણા રોકાણના બહાને ઉંચા વળતરની લાલચ આપી જામનગર શહેર તથા આસપાસના વિસ્તારના સાત જેટલા વ્યક્તિઓ પાસેથી સરકારી કામના કોન્ટ્રાક્ટમાં 14 જેવો ઊંચો વળતર આપવાના બહાને કુલ 2 કરોડ 43 લાખની રકમ મેળવી લીધા પછી નાણા પરત નહીં ચૂકવી રફુચક્કર થઈ જતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. જે ફરાર થઈ ગયેલા આરોપીને પોલીસ શોધી રહી છે.
જામનગરમાં આદિત્ય પાર્ક વિસ્તારમાં રહેતા અને મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ રાખતા અશ્વિનભાઈ વશરામભાઈ વારા નામના કોન્ટ્રાક્ટર યુવાને પોતાની સાથે મોટી રકમની છેતરપિંડી કરવા અંગે નાગર ચકલા વિસ્તારમાં મનશીલ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવતા મનશીલ હર્ષદભાઈ કોયા સામે ફરિયાદ નોંધાવી છે. પોતાના તેમજ પોતાની સાથે અન્ય 6 થી 7 વ્યક્તિના કુલ 2,43,50,000 ની રકમ પરત નહીં કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી કે જેણે પોતાની મનશીલ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચાલુ કરી હતી, જેમાં તેને જુદા જુદા સરકારી કામના કોન્ટ્રાક્ટ મળે છે, જેમાં જામનગર ઉપરાંત મોરબી અને મહારાષ્ટ્ર સહિતના અલગ અલગ સરકારી વિભાગમાં પોતાને સ્ટ્રીટ લાઈટ તેમજ ડસ્ટબીન વગેરે સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મળેલા છે, તે કોન્ટ્રાક્ટમાં 30 ટકા જેવું વળતર મળે છે, જેમાં 14 ટકા નું વળતર રોકાણકારને આપવા ના બહાને પૈસા લેવાનું શરૂૂ કર્યું હતું.
જેમાં ફરિયાદી અશ્વિનભાઈ પાસેથી કટકે કટકે નાણા મેળવી લીધા હતા અને બેંક ખાતા મારફતે ચેક થી અથવા તો રોકડેથી પેમેન્ટ લીધું હતું. આમ કુલ જામનગર શહેરના 7 વ્યક્તિઓ પાસેથી 2,43,50,000 ની રકમ પોતાના અલગ અલગ ખાતામાં જમા કરાવી લીધી હતી, અન્યથા રોકડેથી મેળવી લીધી હતી.
જે રકમ મેળવી લીધા બાદ પોતે પેઢીને તાળા મારીને બારોબાર રફુચક્કર થઈ જતાં આખરે આ મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. છેલ્લા દોઢ વર્ષના સમયગાળા દરમિયાન પોતે આ કારસ્તાન ચલાવતો હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું છે. હાલ તે આરોપી ફરાર હોવાથી પોલીસ તેની શોધ ચલાવી રહી છે. તમામ વ્યક્તિઓને પોતે સરકારી કોન્ટ્રાક્ટર છે, અને કામ મળ્યું છે, તેવા ખોટા દસ્તાવેજોની નકલ દર્શાવીને પૈસા મેળવી લેતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

