Site icon Gujarat Mirror

સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: વોર્ડ નંબર 6 બન્યું ‘બેટલગ્રાઉન્ડ’, પ્રતિષ્ઠાનો જંગ જામ્યો

ભાજપ વિરૂધ્ધ મોરચો ખોલનાર ધર્મેન્દ્ર મહેતા ઉપર સૌની નજર

નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો પ્રચાર અત્યારે ચરમસીમાએ છે, ત્યારે શહેરના તમામ 9 વોર્ડ પૈકી વોર્ડ નંબર 6 હાલ સમગ્ર પંથકમાં ’ટોક ઓફ ધ ટાઉન’ બન્યો છે. આ વોર્ડમાં ખેલાઈ રહેલો રાજકીય જંગ માત્ર બે પક્ષો વચ્ચેનો નહીં, પણ ’વર્ચસ્વ અને સ્વાભિમાન’ની લડાઈ બની ગયો છે.

વોર્ડ નંબર 6 ની ચર્ચાના કેન્દ્રમાં ધર્મેન્દ્રભાઈ મહેતા છે. ભાજપના પાયાના કાર્યકર અને સતત ત્રણ ટર્મથી આ વિસ્તારમાં ચૂંટાતા લોકપ્રિય નેતા ધર્મેન્દ્રભાઈને ભાજપની ’ત્રણ ટર્મ’ની નો-રિપીટ થીયરી નડી ગઈ. જોકે, તેમની નારાજગી માત્ર ટિકિટ કપાવા સામે જ નથી, પણ પક્ષની એ નીતિ સામે છે જેમાં જૂના કાર્યકરોને પડતા મૂકી કોંગ્રેસમાંથી આવેલા આયાતી નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. આ અન્યાય સામે લડવા તેમણે કેસરીયો ત્યાગી કોંગ્રેસનો હાથ પકડ્યો છે, જે ભાજપ માટે મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે.

વોર્ડ નંબર 6 ભાજપ માટે કેમ મહત્વનો છે? તેના કારણો અનેક છે. આ વોર્ડમાં સ્થાનિક ધારાસભ્યનું ઘર આવેલું છે. શહેર ભાજપ પ્રમુખનું નિવાસસ્થાન પણ આ જ વોર્ડમાં છે. પૂર્વ નગરપાલિકા પ્રમુખ પોતે ભાજપની ટિકિટ પરથી અહીં ચૂંટણી લડી રહ્યા છે. જ્યાં પક્ષના આટલા મોટા માથાઓ રહેતા હોય, ત્યાં જો ધર્મેન્દ્રભાઈ મહેતા કોંગ્રેસમાંથી વિજેતા બને, તો તે ભાજપની પ્રતિષ્ઠા પર મોટો ડાઘ સમાન ગણાશે.

રાજકીય વિશ્ર્લેષકો માની રહ્યા છે કે અહીં લડાઈ ભાજપ અને કોંગ્રેસ કરતા વધારે ‘ભાજપ વિરુદ્ધ નારાજ ભાજપ’ જેવી છે. ધર્મેન્દ્રભાઈનો વ્યક્તિગત લોકસંપર્ક અને ભાજપની કેડર વોટમાં પડતું ગાબડું સમીકરણો બદલી શકે છે. આ રસાકસી એટલી હદે વધી ગઈ છે કે સ્થાનિક સ્તરે અનેક ’શરતો’ પણ લાગી રહી છે.
“ટિકિટના ગણિત અને પક્ષપલટાના માહોલ વચ્ચે વોર્ડ નંબર 6 ના મતદારો કોના પર કળશ ઢોળશે? શું ભાજપ પોતાનો ગઢ બચાવી શકશે કે ધર્મેન્દ્રભાઈ ’પરિવર્તન’ લાવશે? તે તો હવે પરિણામો જ બતાવશે.”

Exit mobile version