Site icon Gujarat Mirror

નવા વર્ષે સૌરાષ્ટ્ર યુનિ.ને મળશે કાયમી કુલસચિવ

3 જાન્યુઆરીએ ઇન્ટરવ્યુ, ત્રણ ઉમેદવારો પૈકી ડો. અજયસિંહ જાડેજા પ્રબળ દાવેદાર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નવા વર્ષમાં કાયમી રજીસ્ટ્રાર મળી જશે. 10 વર્ષ સુધી ખાલી રહેલી જગ્યા પર વર્ષ 2023ના ઓગસ્ટ મહિનામાં કાયમી કુલસચિવ આવ્યા પરંતુ તેમણે માત્ર 4 મહિનાના ટૂંકા ગાળામાં રાજીનામુ આપી દેતા ફરી યુનિવર્સિટીના વહીવટનું ગાડું ગબડી ગયું હતું. જોકે હવે આગામી 3 જાન્યુઆરી, 2026ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કુલસચિવ બનવા માટેના ઇન્ટરવ્યૂ ગોઠવાયા છે. આ માટે કુલ 12 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા પરંતુ તેમાંથી માત્ર 3 જ ઉમેદવારોની અરજી માન્ય રહેતા તેઓ ઇન્ટરવ્યુ આપી શકશે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર ધામેચા, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટ્રાર જાદવ અને આંબેડકર યુનિવર્સિટીના કાયમી કુલસચિવ જાડેજાનો સમાવેશ થાય છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વર્ષ 2023ના ઓગસ્ટ મહિનામાં 10 વર્ષ બાદ કાયમી કુલસચિવ ડો. હરીશ રૂૂપારેલિઆ મળ્યા હતા. જોકે મહાનગરપાલિકાના સેક્રેટરી તરીકેના તેમના અનુભવી સળંગ ગણવામાં આવતી ન હોવાથી તેમને આર્થિક નુકસાન થતું હતું જેના કારણે માત્ર ચાર મહિનામાં જ તેમને કાયમી કુલસચિવ તરીકે રાજીનામુ આપી દીધું અને ફરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાયમી રજીસ્ટ્રાર વિહોણી બની ગઈ હતી. જે બાદ છેલ્લા 2 વર્ષથી યુનિવર્સિટીના વહીવટનું ગાડું ઇન્ચાર્જના ભરોસે ગબડાવાઇ રહ્યુ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હાલના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર અને પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર મનીષ ધામેચા આ રેસમાં સામેલ છે. જેમની વર્ષ 2003માં યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર તરીકે નિયુક્તિ થઈ હતી. જે બાદ વર્ષ 2007માં પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર બનવા માટેના પ્રબળ દાવેદાર અમદાવાદની બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કાયમી કુલસચિવ અજયસિંહ જાડેજા હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. જેઓ અગાઉ રાજકોટની ક્રાઇસ્ટ કોલેજમાં ફિઝિક્સના લેક્ચરર હતા. જે બાદ જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હતા. જે બાદ હાલ તેઓ આંબેડકર યુનિવર્સિટીમાં રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવે છે.

આ સિવાયના અન્ય ઉમેદવાર દશરથ જાદવ છે. જેઓ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવે છે. જેમની વર્ષ 2017-18માં રજીસ્ટ્રાર તરીકે નિયુક્તિ થઈ હતી. જોકે તેમની સામે ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો થતા સરકાર દ્વારા તપાસ કમિટી બનાવવામાં આવી હતી. જે પછી તેમની પાસેથી રજીસ્ટ્રાર તરીકેનું પદ છીનવાઈ ગયુ અને બાદમાં તેમને ફરી ડેપ્યુટી રજીસ્ટ્રાર બનાવવામાં આવ્યા હતા.

Exit mobile version