દ્વારકા નજીકના રૂૂપેણ બંદર વિસ્તારમાં ગત સપ્તાહે અંદાજે 50 કિલો જેટલા ગૌમાંસનો જથ્થો ઝડપાતા સમગ્ર દ્વારકા તાલુકામાં રોષની લાગણી ઉગ્ર બની છે. યાત્રાધામ તરીકે વિશ્વપ્રસિદ્ધ અને આસ્થા-વિશ્વાસનું કેન્દ્ર ગણાતી દ્વારકાની પવિત્રતા ભંગ થવાના આક્ષેપોને લઈને સ્થાનિકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે.
આ પરિસ્થિતિને પગલે સોમવારે દ્વારકા તાલુકાના 42 ગામોના સરપંચો, પંચાયત સભ્યો તેમજ વિવિધ સામાજિક આગેવાનો એકત્રિત થયા હતા. તાલુકા પંચાયત કચેરીથી પ્રાંત કચેરી સુધી વિશાળ રેલી યોજીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન ભાગ લેનારોએ દ્વારકાની ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્તાને જાળવી રાખવા કડક પગલાં લેવા માંગણી ઉઠાવી હતી.
આ આવેદનપત્રમાં જણાવાયું છે કે યાત્રાધામ દ્વારકા એ માત્ર એક શહેર નહીં પરંતુ કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક છે. આવી પવિત્ર ભૂમિ અને આસપાસના વિસ્તારોમાં કોઈપણ પ્રકારના ગૌમાંસ કે અન્ય માંસ-મટનના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જરૂૂરી છે. સાથે જ, ઝડપાયેલા જથ્થા મામલે સંડોવાયેલા તત્વો સામે કડક કાયદેસર કાર્યવાહી કરીને દાખલારૂૂપ પગલાં લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
આ પ્રતિનિધિમંડળે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને. દ્વારકાની ધાર્મિક ગૌરવ અને સામાજિક સુમેળ જળવાઈ રહે તે માટે પ્રશાસન દ્વારા ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેવી સર્વાનુમતે માંગ ઉઠાવવામાં આવી હતી. આ રેલી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી, પરંતુ ઉપસ્થિત લોકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો યોગ્ય પગલા નહીં લેવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનાત્મક પગલાં લેવાશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

