શુકલ પીપળીયા ગામની ઘટના: નાહવા પડેલા બાળકને બચાવવા સરપંચ ટાંકામાં કુદ્યા હતાં
રાજકોટ શહેરના કુવાડવા તાબેમાં આવતાં શુકલ પીપળીયા ગામના સરપંચે સવારે રાજકોટ તાલુકા પંચાયત દ્વારા કરવેરા વસૂલાતની કામગીરીમાં શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ મેળવ્યા બાદ સાંજે ગામના પોતાની વાડીએ ટાંકામાં ન્હાવા પડેલા બાળકોને બચાવવા જતાં સરપંચ પોતે ડૂબી ગયા હતાં અને તેમનું મૃત્યુ નિપજ્યું હતું. સરપંચના મૃત્યુથી શુકલ પીપળીયા ગામમાં શોક છવાઈ ગયો છે.
વધુ વિગતો મુજબ, કુવાડવામાં આવેલા શુકલ પીપળીયા ગામે રહેતાં કાનજીભાઈ મગનભાઈ ચારોલા (કોળી) (ઉ.60) નામના વૃધ્ધ ગઈકાલે બપોરના સમયે ત્રણેક વાગ્યે પોતાની વાડી પાણી ભરેલા ટાંકામાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતાં. આ મામલે કુવાડવા પોલીસ મથકે પહોંચી જઈ જરૂરી તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે કાનજીભાઈ ચારોલા શુકલ પીપળીયા ગામના સરપંચ હતાં અને તેઓ તે ગઈકાલે સવારના સમયે રાજકોટ તાલુકા પંચાયત દ્વારા કર વેરા વસૂલાતની શ્રેષ્ઠ કામગીરીમાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ બપોરના સમયે તેમની વાડીએ ગયા ત્યારે ત્યાં વાડીના ટાંકામાં ત્રણ બાળકો ન્હાઈ રહ્યાં હતાં ત્યારે એક બાળક ડૂબતો હોય તેમને બચાવવા કાનજીભાઈએ પોતાનો જીવ જોખમમાં મુકી ટાંકામાં કૂદયા હતાં અને બાળકને બચાવ્યા બાદ પોતે ટાંકામાં ડૂબી જતાં તેઓનું મૃત્યુ થયુ હતું.
કાનજીભાઈને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે તેમજ પોતે ત્રણ ભાઈ ચાર બહેનમાં બીજા નંબરના હતાં. કાનજીભાઈના મૃત્યુથી નાનાએવા શુકલ પીપળીયા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

