માત્ર 30 દિવસમાં 7 હજારથી વધુ કોલ્સ આવ્યા: સગર્ભા સંબંધિત 1389, 931 અકસ્માતનાં કોલ્સ આવ્યા
108 ઈમરજન્સી સેવા આજે ગુજરાત અને ભારતના અન્ય રાજ્યોમાં સાચા અર્થમાં જીવનરક્ષક કડી તરીકે ઉભરી આવી છે. કોઈપણ અકસ્માત હોય કે અચાનક આવી પડેલી ગંભીર બીમારી, લોકોના મનમાં સૌથી પહેલો વિચાર 108નો જ આવે છે. આ સેવાનું મુખ્ય લક્ષ્ય કટોકટીના સમયે સમયનો વ્યય કર્યા વગર ત્વરિત તબીબી સારવાર પૂરી પાડવાનું છે. સરકાર દ્વારા આ સેવા 24ડ્ઢ7 અને સંપૂર્ણપણે મફત પૂરી પાડવામાં આવે છે, જે તેની સૌથી મોટી વિશેષતા છે. આ મફત સેવાને કારણે સમાજના કોઈપણ વર્ગનો નાગરિક, પછી તે અમીર હોય કે ગરીબ, કોઈપણ આર્થિક ભેદભાવ વગર શ્રેષ્ઠ તબીબી સહાય મેળવી શકે છે. જ્યારે પણ કોઈ નાગરિક 108 પર કોલ કરે છે, ત્યારે ગણતરીની મિનિટોમાં આધુનિક સાધનોથી સજ્જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી જાય છે અને દર્દીને હોસ્પિટલ સુધી સલામત રીતે પહોંચાડે છે.
તાજેતરમાં સુપરવાઈઝર જયેશભાઈએ પૂરી પાડેલી વિગતો મુજબ, રાજકોટ શહેર અને જિલ્લામાં 108 સેવાની કામગીરી અત્યંત પ્રશંસનીય રહી છે. માત્ર માર્ચ મહિનાના ટૂંકા ગાળામાં જ ઈમરજન્સી સેવાના કુલ 7067 જેટલા કોલ્સ નોંધાયા હતા. આ આંકડો દર્શાવે છે કે લોકોનો આ સેવા પર કેટલો અતૂટ વિશ્વાસ છે. આ કુલ કોલ્સમાં વિવિધ પ્રકારની તબીબી કટોકટીઓનો સમાવેશ થાય છે. જેમાં ખાસ કરીને સગર્ભાવસ્થા સંબંધિત 1389 કોલ્સ આવ્યા હતા, જે મહિલાઓના સ્વાસ્થ્ય અને સુરક્ષિત પ્રસૂતિ માટે 108ની અનિવાર્યતા દર્શાવે છે. આ ઉપરાંત, માર્ગ અકસ્માતોની ગંભીરતા જોતા 931 જેટલા વાહન અકસ્માતના કોલ્સ પર ત્વરિત પ્રતિસાદ આપવામાં આવ્યો હતો.
ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં મોટા દવાખાનાઓ દૂર હોય છે, ત્યાં 108ના તબીબોએ અભૂતપૂર્વ કામગીરી કરી છે. રિપોર્ટ મુજબ, ક્રિટિકલ ગણાતી 83 જેટલી પ્રસૂતિઓ એમ્બ્યુલન્સમાં જ અથવા ગ્રામ્ય સ્થળે 108ના નિષ્ણાત તબીબો દ્વારા સફળતાપૂર્વક કરાવવામાં આવી હતી. આનાથી માતા અને નવજાત શિશુ એમ બંનેના જીવ જોખમમાંથી બચી શક્યા છે.
આ સમગ્ર વિગતો પરથી સ્પષ્ટ થાય છે કે 108 સેવા માત્ર એક વાહન નથી, પરંતુ મુસીબતમાં ફસાયેલા લોકો માટે આશાનું કિરણ છે. અકસ્માત, હાર્ટ એટેક કે અન્ય કોઈ પણ જીવલેણ બીમારીના સમયે આ સેવા આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. જયેશભાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે, 108ના કર્મચારીઓ દિવસ-રાત જોયા વગર ખડેપગે સેવા આપે છે, જેના કારણે આજે સેંકડો પરિવારોના ચિરાગ ઓલવાતા બચ્યા છે. આમ, રાજકોટ જિલ્લામાં 108ની કામગીરી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહી છે અને સામાન્ય જનતા માટે એક મજબૂત સુરક્ષા કવચ બની ગઈ છે.
‘ગોલ્ડન અવર’માં હૃદય-શ્ર્વાસની બીમારીના 1096 દર્દીઓના જીવ બચાવ્યા
માર્ચ મહિનામાં ઇમરજન્સી સેવા ’108’ ની ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે. કટોકટીના પ્રથમ કલાક એટલે કે ’ગોલ્ડન અવર’માં સમયસર સારવાર આપી 1096 દર્દીઓને નવજીવન આપ્યું છે. જેમાં હૃદયની તકલીફવાળા 506 અને શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવતા 560 દર્દીઓને તાત્કાલિક ઓક્સિજન તથા પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવી હતી. અત્યંત જીવલેણ પરિસ્થિતિઓમાં પણ 108ની ત્વરિત સેવા અને નિષ્ણાત ટીમની કામગીરી અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.

