Site icon Gujarat Mirror

જેતપુરની મોટા ગુંદાળા શાળાના આચાર્ય સંજયભાઈ વેકરિયાની ‘ચિત્રકૂટ એવોર્ડ’ માટે પસંદગી

આચાર્યના ભગીરથ પ્રયત્નોથી શાળાનો કાયાકલ્પ: ભૂતવડ સહિતના આજુબાજુના ગામોના બાળકો હવે અહીં લે છે શિક્ષણ

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાની પી એમ શ્રી મોટા ગુંદાળા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી સંજયભાઈ ચંદુભાઈ વેકરીયાની વર્ષ 2026ના પ્રતિષ્ઠિત ‘ચિત્રકૂટ એવોર્ડ’ માટે પસંદગી કરવામાં આવી છે. આગામી 14 જાન્યુઆરીના રોજ પૂજ્ય મોરારીબાપુના હસ્તે તેમને આ સન્માન એનાયત કરવામાં આવશે.

નોંધનીય છે કે, સંજયભાઈ વેકરીયાએ જ્યારે આ શાળાનો કાર્યભાર સંભાળ્યો તે પૂર્વે શાળાની કોઈ ખાસ ઓળખ ન હતી. અગાઉ શાળાના વિદ્યાર્થીઓએ ક્યારેય જિલ્લા કે રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લીધો ન હતો, તેમજ શાળા દ્વારા ક્યારેય શૈક્ષણિક પ્રવાસનું આયોજન પણ કરવામાં આવતું ન હતું. પરંતુ, સંજયભાઈ વેકરીયાના આગમન બાદ તેમની નિષ્ઠા અને સખત મહેનતને કારણે શાળાના વાતાવરણમાં ધરખમ ફેરફાર આવ્યો છે.વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષા સુધી ઝળકયા છે.આચાર્યના ઇનોવેશનની નેશનલ કક્ષાએ પસંદગી થયેલ છે. આવતીકાલે તા. 14-01-2026, બુધવારના રોજ તલગાજરડા ખાતે ‘ચિત્રકૂટ ધામ’માં આયોજિત 26માં ‘ચિત્રકૂટ એવોર્ડ’ સમારંભમાં પૂજ્ય મોરારીબાપુના આશીર્વાદ સાથે તેમને સન્માનિત કરાશે.

આ પ્રસંગે પૂજ્ય સિતારામબાપુ અને કેબિનેટ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી પણ ખાસ ઉપસ્થિત રહેશે.એક સામાન્ય ગણાતી સરકારી શાળાને આદર્શ શાળા બનાવનારા સંજયભાઈની આ સિદ્ધિ બદલ સમગ્ર રાજકોટ જિલ્લા અને જેતપુર પંથક અને શિક્ષણ જગત ગર્વની લાગણી અનુભવી રહ્યું છે.

Exit mobile version