ખનીજ માફિયા હથિયારો લઇ તૂટી પડતા પિતા-પુત્ર અને પૌત્રને ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડાયા : પોલીસે હત્યાના પ્રયાસની કલમ નહીં ઉમેરી હોવાના આક્ષેપ : પોલીસ અધિક્ષકને રજૂઆત
જામજોધપુર તાલુકાના તરસાઈ ગ્રુપ વાડી વિસ્તારમાં રેતી ચોરીના વિરોધમાં થયેલા ખૂની હુમલાએ સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે. મેસુરભાઈ રાજાભાઈ કોડીયાતર અને તેમના પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પરિવારના સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
આ ઘટના અંગે મેસુરભાઈએ જામનગરના પોલીસ અધિક્ષકને અરજી કરી ન્યાયની માંગણી કરી છે. અરજીમાં જણાવ્યા અનુસાર, મેસુરભાઈના ખેતર નજીકના હોકળામાંથી રેતી ચોરી થતી હતી, જેનો વિરોધ કરતાં ખનીજ માફિયાઓએ તેમના પર હુમલો કર્યો હતો.
તા. 16-3-2025ના રોજ સવારે વિજય નામના શખ્સે રેતી ચોરી કરવાની કોશિશ કરતાં મેસુરભાઈએ તેને અટકાવ્યો હતો, જેના કારણે ઝઘડો થયો હતો. ત્યારબાદ વિજય, રામા લખા મુછાર, મેસુર અરજન મુછાર, કાના દેવા મુનાદ, અરજન ગોગન મુછાર, લાખા કરણા મુછાર સહિતના શખ્સોએ લોખંડના પાઈપ, રાપડી અને લાકડી જેવા જીવલેણ હથિયારો વડે મેસુરભાઈ અને તેમના પરિવાર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં મેસુરભાઈ, તેમના પિતા રાજાભાઈ અને પુત્ર વિજેશને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
રાજાભાઈની હાલત ગંભીર હોવાથી તેમને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.મેસુરભાઈએ પોલીસ પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું છે કે, જામજોધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં અરજન ગોગન મુછાર અને લાખા કરણા મુછારના નામ જાણીજોઈને ઉમેરવામાં આવ્યા નથી. આ ઉપરાંત, હુમલાખોરોએ જીવલેણ હથિયારો વડે હુમલો કર્યો હોવા છતાં પોલીસે હત્યા પ્રયાસ અને મહાવ્યથા જેવી કલમો ઉમેરી નથી. મેસુરભાઈએ જણાવ્યું છે કે, આરોપીઓ ખનીજ માફિયા છે અને તેમની પોલીસમાં પણ સારી વગ છે. તેઓએ પોલીસ અધિક્ષકને આ કેસની ન્યાયીક અને તટસ્થ તપાસ કરવાની, ફરિયાદમાં આરોપીઓના નામ ઉમેરવાની અને હત્યા પ્રયાસ જેવી કલમો ઉમેરવાની માંગણી કરી છે. આ સાથે જ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની પણ માંગણી કરવામાં આવી છે.

