રાજકોટ શહેરી વિકાસ સતા મંડળના નગર નિયોજક એસ.અમ. પંડયાની અંતે બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને નવસારી શહેરી વિકાસ સતા મંડળના ટીપીઓ દિનકર એમ.પટેલને રૂડામાં મુકવામાં આવ્યા છે. રાજયના શહેરી વિકાસ વિભાગ દ્વારા આજે જુનાગઢ, ભાવનગર, વડોદરા, નવસારી, રાજકોટ અને ગાંધીનગર શહેરી વિકાસ સતા મંડળોના ટીપીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા છે.
ખાસ કરીને રૂડાના ટીપીઓ એસ.એમ.પંડયાની કાર્યશૈલી સામે બિલ્ડરો અને આર્કિટેકચરોમાં ભારે નારાજગી જોવા મળી હતી અને ગાંધીનગર સુધી તેમની ફરીયાદો કરવામાં આવી હતી. અંતે આજે તેમની વડોદરા શહેરી વિકાસ સતા મંડળમાં બદલી કરવામાં આવી છે. વડોદરા નગર રચના યોજનાનો ચાર્જ પણ તેમને સોંપવામાં આવ્યો છે.
આ સિવાય જુનાગઢ મહાનગરપાલિકાના ટીપીઓ વિવેક પારેખની અમદાવાદ ખાતે બદલી કરાઇ છે. ભાવનગર નગર રચના યોજનાના ટીપીઓ એસ.એન. પારગીને જુનાગઢ કોર્પોરેશનના ટીપીઓનો ચાર્જ સોંપાયો છે.
આ ઉપરાંત વડોદરા નગર રચના યોજનાના ટીપીઓ માનસી અધવર્યુની બારડોલી શહેરી વિકાસ સતા મંડળમાં બદલી કરી નવસારી સતામંડળનો ચાર્જ પણ તેમને સોંપાયો છે. જયારે ગાંધીનગર શહેરી વિકાસ સતા મંડળના ટીપીઓ પરિન ગાંધીની વડી કચેરી ગાંધીનગર (લીગલ) ખાતે બદલી કરાઇ છે.

