Site icon Gujarat Mirror

RSSના વડા ભાગવતનું રાજકોટમાં આગમન

ત્રણ દિવસ રાજકોટમાં શ્રેણીબધ્ધ વાર્તાલાપ કરશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર એસ એસ)ના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂૂપે અખિલ ભારતીય પ્રવાસ યોજના અંતર્ગત સરસંઘચાલક ડો. મોહનજી ભાગવતનું સૌરાષ્ટ્ર પ્રાંતની મુલાકાત અર્થે રાજકોટના સેવાભારતી ભવન ખાતે આગમન થયું છે. તેઓ ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપનાર છે.

તેમની આ મુલાકાત દરમિયાન તેઓ કોઈ જાહેર સભાને સંબોધવાના નથી, પરંતુ સમાજના પ્રબુદ્ધ નાગરિકો સાથે વિશેષ સંવાદ કરશે.આ પ્રવાસ દરમિયાન પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ, ડો. મોહનજી ભાગવત સમાજ પ્રબોધક અને પ્રેરક વ્યક્તિત્વો સાથે વ્યક્તિગત તેમજ શ્રેણીબદ્ધ વાર્તાલાપ કરશે.

ખાસ કરીને સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે નક્કી કરાયેલા ’પંચ પરિવર્તન’ના વિષયો પર ભાર મૂકવામાં આવશે. જેમાં સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, સ્વદેશી (સ્વબોધ), પર્યાવરણ સંરક્ષણ અને નાગરિક કર્તવ્ય જેવા મહત્વના મુદ્દાઓ પર સૌરાષ્ટ્રભરના વિભિન્ન ક્ષેત્રોના અગ્રણીઓ સાથે તેઓ ઊંડું ચિંતન અને સંવાદ કરશે.
ઉલ્લેખનીય છે કે, ડો. મોહનજી ભાગવતનો ગુજરાત સાથે જૂનો અને પારિવારિક નાતો રહ્યો છે. તેમના પિતા સ્વ. મધુકરરાવજી ભાગવતે ભૂતકાળમાં ગુજરાતના પ્રાંત પ્રચારક તરીકે મહત્વનું દાયિત્વ વહન કર્યું હતું.

11 સપ્ટેમ્બર, 1950ના રોજ મહારાષ્ટ્રના ચંદ્રપુર ખાતે જન્મેલા મોહનજી બાળપણથી જ સંઘના સ્વયંસેવક રહ્યા છે. નાગપુર વેટરનરી કોલેજમાંથી પશુચિકિત્સક (બી.વી.એસ.સી.)નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ, 1975થી તેઓ પ્રચારક તરીકે રાષ્ટ્રકાર્યમાં જોડાયા. અકોલા, નાગપુર અને બિહાર ક્ષેત્રમાં વિવિધ જવાબદારીઓ નિભાવ્યા બાદ 21 માર્ચ, 2009થી તેઓ સરસંઘચાલક તરીકે સંગઠનનું માર્ગદર્શન કરી રહ્યા છે.તેમણે ’યશસ્વી ભારત’ અને વર્તમાન સમયમાં હિંદુત્વની પૃષ્ઠભૂમિ જેવા પુસ્તકો દ્વારા પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમની વર્તમાન રાજકોટ મુલાકાત સંઘના કાર્યકર્તાઓ અને સમાજ શ્રેષ્ઠીઓમાં નવી ઊર્જાનો સંચાર કરશે.

Exit mobile version