દ્વારકામાં રહેણાંક મકાનમાં તસ્કરોના પરોણા, રોકડ, દાગીના સહિત રૂા. 3.30 લાખની ચોરી

દ્વારકામાં રહેતા એક વિપ્ર યુવાનના રહેણાંક મકાનમાં ભર બપોરના સમયે તસ્કરોએ ખાતર પાડી, બે કલાકના સમયગાળા દરમિયાન સોનાનો હાર, વીંટી, દાણો તેમજ રોકડ રકમ સહિત…

દ્વારકામાં રહેતા એક વિપ્ર યુવાનના રહેણાંક મકાનમાં ભર બપોરના સમયે તસ્કરોએ ખાતર પાડી, બે કલાકના સમયગાળા દરમિયાન સોનાનો હાર, વીંટી, દાણો તેમજ રોકડ રકમ સહિત રૂૂ. 3.30 લાખનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયાનો પ્રકાશમાં આવ્યો છે.

આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકાના રાણેશ્વર મંદિરની પાછળના ભાગે રહેતા અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા વાલજીભાઈ કરસનભાઈ ભટ્ટ નામના 35 વર્ષના બ્રાહ્મણ યુવાનના રહેણાંક મકાનના ગત તારીખ 23 ઓગસ્ટના રોજ બપોરે 1 થી 3 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તસ્કરોએ અનધિકૃત રીતે પ્રવેશ કરી અને રૂૂમનું તાળું તોડી અહીં રહેલા કબાટનું પણ તાળું તોડી નાખ્યું હતું.

આ કબાટમાં રાખવામાં આવેલો રૂૂપિયા 2,70,000 ની કિંમતનો ત્રણ તોલા સોનાનો હાર, રૂૂ. 45,000 ની કિંમતની અડધા તોલાની સોનાની વીંટી, રૂૂ. 1,000 ની કિંમતનો સોનાનો દાણો, રૂૂ. 1,500 ની કિંમતની ચાંદીની વીંટી, તેમજ રૂૂ. 2,500 ની કિંમતની ચાંદીની બે બંગડી ઉપરાંત રૂૂપિયા 10,000 ની રોકડ રકમ ઉસેડી ગયા હોવાનું ખુલવા પામ્યું છે.

આમ, કુલ રૂૂપિયા 3 લાખ 30 હજારના મુદ્દામાલની ચોરી થવા સબબ દ્વારકા પોલીસે વાલજીભાઈ કરસનભાઈ ભટ્ટની ફરિયાદ પરથી અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં સ્થાનિક પી.એસ.આઈ. કે.કે. મારુ તેમજ તેમની ટીમ દ્વારા તસ્કરોને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.