Site icon Gujarat Mirror

રાજકોટમાં હૃદયરોગના હુમલાનો વધતો ખતરો: ચારના હાર્ટ ફેલ

શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ચાર લોકોના શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં બેડીપરામાં પ્રૌઢ, નવાગામ અને બાબરીયા કોલોનીમાં બે આધેડ તેમજ કોઠારીયા કોલોનીમાં વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં બેડીપરા વિસ્તારમાં રહેતા રમેશભાઈ દેવાભાઈ મકવાણા, (ઉ.43) પરોઢીયે પોતાના ઘરે હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે રમેશભાઈ મકવાણાનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હોવાનું જણાવતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક પાંચ ભાઈ ત્રણ બહેનમાં વચેટ અને અપરિણીત હતાં. બીજા બનાવમાં નવાગામ પોલીસ ચોકી પાસે આવેલા આવાસ યોજનાના કવાર્ટસમાં રહેતાં હનીફભાઈ રજાકભાઈ મુંદ્રા (ઉ.51) સવારના સાડા છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં.

જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક હનીફભાઈ બે ભાઈ ત્રણ બહેનમાં મોટા હતાં અને તેમને સંતાનમાં બે પુત્ર છે. હનીફભાઈ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. ત્રીજા બનાવમાં બાબરીયા કોલોનીમાં રહેતાં જતેન્દ્રભાઈ રમેશભાઈ રાઠોડ (ઉ.56) પીપળીયા હોલ પાસે આવેલા કોપર આકેટમાં ચોથા માળે ચડયા હતાં. ત્યારે છાતીમાં દુખાવો ઉપડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક આધેડ ત્રણ ભાઈ એક બહેનમાં મોટા હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

ચોથા બનાવમાં કોઠારીયા કોલોનીમાં રહેતા દિનેશભાઈ મગનભાઈ પીઠડીયા (ઉ.68) પવનપુત્ર ચોક સામેની શેરીમાં સવારના આઠેક વાગ્યાના અરસામાં પલંગ પરથી પડી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

Exit mobile version