સંસ્થાના સ્થાપક હેમરાજ પાડલિયા માત્ર ભોજનના દાતા, ચંદ્રેશ સામે ફરિયાદ નોંધાવાશે
રાજકોટમાં ઋષિવંશી સમાજસેવા સંઘના નામે સમુહ લગ્નનું આયોજન કરી નાશી છુટેલા ચંદ્રેશ છત્રોલા નામના શખ્સની ફરિયાદ લઈને ઋષિ સમાજના કાંતિભાઈ પાડલિયા સહિતના આગેવાનો ગુજરાત મિરર કાર્યાલયે દોડી આવ્યા હતાં અને જણાવ્યું હતું કે, ઋષિ સમાજ સેવા સંઘએ સમાજસેવા કરતી સંસ્થા છે આ સંસ્થાને તેમજ સંસ્થાના સ્થાપક હેમરાજભાઈ પાડલિયાને ચંદ્રેશ છત્રોલા સાથે કંઈ લેવા દેવા નથી. આ શખ્સે ચિટિંગ કરીને સંસ્થા તથા સમાજ સાથે વિશ્ર્વાસઘાત કર્યો છે. સમાજના આગેવાનો દ્વારા પણ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે.
આગેવાનોએ જણાવ્યું હતું કે, ચંદ્રેશ છત્રોલા સમુહ લગ્નના આગલા દિવસે એટલે કે ગઈકાલે સાંજે બિમાર હોવાના નામે રઘુવીર હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો અને પોતે સવારે સમુહ લગ્ન સ્થળે પહોંચી જશે તેવું જણાવ્યું હતું પરંતુ સવારે સમુહ લગ્નસ્થળે આવવાના બદલે રાત્રે જ હોસ્પિટલમાંથી રજા લઈ ગુમ થઈ ગયો હતો અને તેનો મોબાઈલ પણ બંધ થઈ ગયો છે.
આ સંસ્થા સાથે હેમરાજભાઈ પાડલિયાનું નામ જોડાયેલ હોય પરંતુ હેમરાજભાઈ પાડલિયા માત્ર સમુહ લગ્નના ભોજનના દાતા હતા આ સિવાય તેને ચંદ્રેશ છત્રોલા કે તેની ટોળકી સાથે કોઈ સબંધ નથી. આગેવાનોએ આક્રોષફેર જણાવ્યુ ંહતું કે, ચંદ્રેશ અને તેની ટોળકીએ વિશ્ર્વાસઘાત કરી અનેક યુગલો સાથે પણ વિશ્ર્વાસઘાત કરતા સમાજને નિચા જોવાનું થયું છે. આ શખ્સ સામે કડક પગલા ભરાવા જોઈએ.