Site icon Gujarat Mirror

જામનગરમાં હુમલામાં ઘવાયેલ રિક્ષા ચાલકનું મોત, બનાવ હત્યામાં પલટાયો

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર સનમ સોસાયટી વિસ્તારમાં રહેતા એક રીક્ષા ચાલક પર બે દિવસ પહેલા ડી કેવી સર્કલ પાસે હુમલો કરાયો હતો, જે ઈજાગ્રસ્ત રીક્ષા ચાલકને સારવાર માટે રાજકોટ ખસેડાયા બાદ તેનું મૃત્યુ નિપજતાં આ બનાવમાં નવો વળાંક આવ્યો છે. પોલીસ દ્વારા મૃતક રિક્ષાચાલક ના પીએમ રિપોર્ટ ના આધારે આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા અને રીક્ષા ચલાવતા ઇબ્રાહિમ દાઉદભાઇ માકોડા નામના 45 વર્ષના રિક્ષાચાલક પરમદીને ગાંધીનગર થી ડી.કે.વી કોલેજ વિસ્તારમાં રીક્ષા નું ભાડું લઇ ને આવ્યા હતા, ત્યારે બે અજાણ્યા વ્યક્તિ ત્યાં આવીને કહેવા લાગેલા કે અહીયાં તું રિક્ષા કેમ રાખશ, તેમ કહી ને હીચકારો હુમલો કર્યો હતો, અને બન્ને હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત અને બેશુદ્ધ બનેલા ઇબ્રાહિમભાઇને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા તેઓને બ્રેઇન હેમરેજ થઈ ગયું હોવાનું જાહેર કરાયું હતું.

જેની તબિયત લથડતાં વધુ સારવાર માટે રાજકોટ ની સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગુરુવારે બપોરે તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, જેથી આ બનાવમાં નવો વળાંક આવ્યો છે.
સૌ પ્રથમ આ બનાવ અંગે ઇજાગ્રસ્ત ઇબ્રાહિમ માકોડા ના પત્ની નફીશાબેન દ્વારા સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો વિરૂૂદ્ધ હુમલા અંગેની ફરિયાદ નોંધાવી હતી, અને પોલીસ દ્વારા હુમલાખોરોને શોધવા માટે સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવી હતી, અને પોલીસ દ્વારા હુમલાખોર ની ઓળખ કરી લેવામાં આવી છે.

દરમિયાન રિક્ષાચાલકનું મૃત્યુ નિપજયું હોવાથી એક પોલીસ ટુકડી રાજકોટની સરકારી હોસ્પિટલમાં પહોંચી ગઈ છે, જ્યાં તબીબો નું નિવેદન નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે મૃતકના પોસ્ટ મોર્ટમ ના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જામનગર પોલીસ દ્વારા આ મામલામાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Exit mobile version