Site icon Gujarat Mirror

ગાયત્રીનગરમાં દવા લેવા જતાં નિવૃત્ત એસ.ટી. કંડકટરનું અકસ્માતમાં મોત

શહેરના કોઠારીયા રોડ પર રહેતાં નિવૃત્ત એસ.ટી કંડકટર સ્કુટર લઈ દવા લેવા જતાં હતાં ત્યારે ગાયત્રીનગર મેઈન રોડ પર અજાણ્યા બાઈક ચાલકે સ્કુટર સાથે અકસ્માત સર્જતા તેઓ પડી ગયા હતાં અને ઈજા થવાથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેનું મોત નિપજ્યું હતું.આ અંગે ભક્તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા રોડ પર પુનિતનગર સોસાયટી પાસે ગોકુલનગર-2માં રહેતાં અને એસ.ટી.ના નિવૃત્ત કંડકટર માણેકલાલ મોહનલાલ ભડીયાદરા (ઉ.77) નામના વૃધ્ધ ગઈકાલે સવારે પોતાનું સ્કુટર લઈ દોશી હોસ્પિટલમાં દવા લેવા જઈ રહ્યા હતાં. દરમિયાન ગાયત્રીનગર મેઈન રોડ પર પહોંચતાં અજાણ્યા બાઈક ચાલકે સ્કુટરને ઠોકરે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં વૃધ્ધ સ્કુટર ઉપરથી પડી જતાં તેમને માથાના ભાગે ઈજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જો કે સારવાર કારગત ન નિવડતાં આજે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે ભક્તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં મૃતક છ ભાઈમાં વચેટ અને તેમને સંતાનમાં ત્રણ પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી સોની પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. શહેરમાં અકસ્માતોની જાણે વણજાર થઈ હોય તેમ એક જ દિવસમાં અકસ્માતના ત્રણ બનાવ સામે આવ્યા છે. જેમાં સવારે મોરબી રોડ પર ડમ્પરની ઠોકરે ચડી જતાં બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે કુવાડવા હાઈવે પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો અને ગાયત્રીનગરમાં દવા લેવા જતાં નિવૃત્ત એસ.ટી.કંડકટરનું અજાણ્યા બાઈક સાથે સ્કુટર અથડાતાં તેમનું મોત નિપજ્યું હતું.

Exit mobile version