ગુજરાત
કાલાવડના કાલમેઘડા ગામમાં નિવૃત્ત ડીવાયએસપીના પત્નીનો આપઘાત
દવાના ટીકડાં ખાઇ જીવન ટૂંકાવ્યું: પરિવારમાં શોક
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામમાં નિવૃત ડીવાયએસપીના પત્નીએ કોઈ અકળ કારણોસર ઘઉંમાં નાખવાના ઝેરી દવાના ટીકડા પી લેતાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા પછી ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં પરિવારમાં ભારે શોક ની લાગણી ફેલાઇ છે.
કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામમાં રહેતા નિવૃત ડીવાયએસપી નરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાના પત્ની તારાબા (ઉ.વ.69)એ ગત તા. 29ના રોજ બપોરના સાડા ત્રણેક વાગ્યે પોતાના ઘરે કોઈ કારણોસર ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી જતાં તેઓને ગંભીર હાલતમાં રાજકોટની હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું ટુંકી સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. જે અંગે મૃતકના પતિ નિવૃત ડીવાયએસપી નરેન્દ્રસિંહ જાડેજાએ રાજકોટ સીટી એ. ડિવિઝનમાં જાહેર કર્યુ હતું. જે અંગેના કાગળો ગઈકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં. જે અંગેની મૃત્યુ નોંધ પોલીસે જાહેર કરીને એએસઆઈ આર.વી.ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે. અને આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ આરંભી છે.