Site icon Gujarat Mirror

દીકરીઓની પાંખો કાપવાની વાત કરનારાઓને સમાજમાંથી દૂર કરો: કિંજલ દવે

ગુજરાતી લોકગીતોની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો મુદ્દો હાલમાં ચર્ચામાં છે. આ બહિષ્કારનો નિર્ણય પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા આંતરજ્ઞાતિય સગાઈના મામલે લેવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના બાદ કિંજલ દવેએ આખરે પોતાનું મૌન તોડ્યું છે અને બહિષ્કાર કરનારાઓ પર આકરા પ્રહારો કર્યા છે.

તાજેતરમાં જ ગાયક કલાકાર કિંજલ દવેએ ધવલ શાહ સાથે સગાઈ કરી હતી, જેના ફોટો-વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા. આ આંતરજ્ઞાતિય સગાઈને લઈને પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજ લાલઘૂમ થયો હતો. કાંકરેજના શિહોરી ખાતે મળેલી સમાજની બેઠકમાં કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કિંજલ દવેના પિતા લલિત દવે અને પ્રહ્લાદ જોષીને આજીવન સમાજ બહાર કરવામાં આવ્યા છે. બંને પરિવારને સમાજના કોઈપણ પ્રસંગમાં ન આવકારવા નિર્ણય લેવાયો છે. બહિષ્કૃત વ્યક્તિઓને આવકારનારા સામે પણ કડક પગલાં લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.સામાજિક બહિષ્કારના આ એલાન બાદ કિંજલ દવેએ આખરે મૌન તોડીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. કિંજલ દવેએ બહિષ્કાર કરનારાઓને “અસામાજિક તત્વો” ગણાવ્યા છે, અને જણાવ્યું હતું કે, જેઓ દીકરીઓની પ્રગતિ જોઈ શકતા નથી. કિંજલે જણાવ્યું કે, “હું મૌન હતી, પણ હવે વાત મારા પરિવાર અને પિતા પર છે, મારાથી હવે સહન નથી થઈ રહ્યું.”

કિંજલ દવેએ કહ્યું કે, તેઓ અહીંયા સુધી બ્રહ્મ સમાજના લોકો અને તમામ લોકોના સપોર્ટથી પહોંચ્યા છે, અને જેમને શુભેચ્છાઓ આપી છે તેમનો આભાર માન્યો. ગાયિકાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, અમુક અસામાજિક તત્વો દીકરીઓ માટે નિયમો નક્કી કરે છે અને આ તો દીકરીઓના પાંખ કાપવાની વાત છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, દીકરીઓ અત્યારે તેજસ પ્લેન ઉડાવી રહી છે અને ઓપરેશન સિંદુરમાં પણ બે દીકરીઓ હતી, ત્યારે અસામાજિક તત્વો નક્કી કરશે કે દીકરીઓને પોતાનો લાઈફ પાર્ટનર નક્કી કરવાનો હક નથી? કિંજલ દવેએ વધુમાં જણાવ્યું કે, તેમનો પરિવાર અને પાર્ટનર ભક્તિમય લોકો છે અને તેમને આદર અને સત્કારથી સ્વીકારવામાં આવી છે.અંતમાં, કિંજલ દવેએ શિક્ષિત અને સમજુ લોકોને વિનંતી કરી છે કે આ અસામાજિક તત્વોને સમાજમાંથી દૂર કરે, નહીં તો સમાજ ક્યાંયનો નહીં રહે.

ઉલ્લેખનીય છે કે, સિંગર કિજલ દવેએ તા. 6 ડિસેમ્બર 2025 ના રોજ એક્ટર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જે બાદ આજે કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બહ્મ સમાજની બેઠક મળી હતી. જેમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજની મળેલી બેઠકમાં સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

Exit mobile version