Site icon Gujarat Mirror

દ્વારકા જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને પ્રભારીઓને પ્રદેશનું તેડું

દ્વારકા જિલ્લા પંચાયત માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાએ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોને સાથે રાખી 11 જિલ્લા પંચાયત બેઠકો માટે ચૂંટણી લડવા ઈચ્છુક વ્યક્તિઓને બોલાવીને તેમને તૈયારી કરવા કહી દીધું હતું.

જેમાં બજાણા બેઠક પર જીવાભાઈ કનારા, વડત્રા બેઠક પર વિજયભાઈ ગોરીયા, વાડીનાર બેઠક પર લગધીરસિંહ જાડેજા, ધતુરિયા બેઠક પર વિક્રમભાઈ કંડોરિયા, કલ્યાણપુર બેઠક પર અરજનભાઈ કણજારીયા, લાંબા બેઠક પર કનુભાઈ આંબલિયા, ભાટિયા બેઠક પર હરદાસભાઈ નકુમ, નંદાણા બેઠક પર મેરગભાઈ ચાવડા, રાણ બેઠક પર રાકેશભાઈ નકુમ, ભાડથર બેઠક પર નગાભાઈ ભાટુ, બેરડીયા બેઠક પર લખમણભાઈ સુમણિયા નું નક્કી કરેલ પરંતુ તે બેઠક અનામત થતા ત્યાં હમીર રાજા ચાંનપાને ઉમેદવાર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયતના 22 પૈકી 17 ઉમેદવારોને તો છેલ્લા પંદર દિવસ પહેલા જ કહી દેવામાં આવ્યું છે. બાકીની 5 બેઠકોમાં રણનીતિના ભાગરૂૂપે પેનલમાંથી નામ નક્કી કરવાના બાકી રાખ્યા હોય તેમ જાણવા મળે છે.

દ્વારકામાં ધારાસભ્યના ગઢ ગણાતા ઓખા મંડળમાં કોંગ્રેસ માટે કાયમી કપરા ચઢાણ હોય છે. ઉમેદવાર પણ મળવા મુશ્કેલ હોય છે. પરંતુ આ વખતે ઓખા મંડળમાં અત્યારે જિલ્લા – તાલુકા પંચાયતની તમામ બેઠકો પર ઉમેદવાર નક્કી હોવાનું અને તેમને કાનમાં કહી દેવામાં આવ્યું હોવાનું મનાય છે. જામ ખંભાળિયા અને જામ રાવલ એમ બન્ને નગરપાલિકામાં ગત વખતે કોંગ્રેસનો દેખાવ ખૂબ નબળો રહ્યો હતો.

રાવલમાં 4 અને ખંભાળિયામાં તો માત્ર એક જ બેઠક જ કોંગ્રેસને મળી હતી. પણ આ વખતે રાવલ નગરપાલિકા પાલ આંબલિયા પોતે અને ખંભાળિયા નગરપાલિકા ખૂબ જ અનુભવી વિજય રાજ્યગુરુ અને ગિરિરાજસિંહ જાડેજાને જવાબદારી સોંપતા ખંભાળિયા નગરપાલિકામાં પણ કોંગ્રેસ તરફી માહોલ બની રહ્યો છે. તાલુકા પંચાયત બેઠકોના ઉમેદવારો નક્કી કરવાની સંપૂર્ણ જવાબદારીઓ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવારને જ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

દ્વારકા જિલ્લામાં ભાજપમાં ઉમેદવારોને લઈને ઉકળતો ચરુ હોવાનું કહેવાય છે. જ્યારે કોંગ્રેસમાં કોઈપણ વાદ વિવાદ વગર મોટાભાગના ઉમેદવાર નક્કી છે. પ્રદેશ સમિતિમાં નામો મોકલતા પહેલા જિલ્લાની સંકલન સમિતિ અને ચૂંટણી સમિતિએ પેનલમાંથી એક એક નામ નક્કી કરીને પ્રદેશમાં પેનલ નહિ પણ એક જ નામ મોકલવાનું નક્કી કરી રાખ્યું હોવાની પણ વાત મળી રહી છે. કોંગ્રેસના આંતરિક વર્તુળો દ્વારા જિલ્લા પંચાયત અને રાવલ નગરપાલિકા બનાવવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતા હોવાના સમાચાર છે. જ્યારે ખંભાળિયા નગરપાલિકામાં મનાતાવઆંતરીક કલહ અને વિજય રાજ્યગુરુના સમીકરણો સેટ કરવાની આવડતના કારણે કાંટે ટક્કર બને તો નવાઈ નહિ. તેવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

આ સાથે જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીના વડપણ હેઠળ ચૂંટણી ગતિવિધિઓ તેમજ ઉમેદવારોની પસંદગી તેજ બનાવી દેવામાં આવી છે.

Exit mobile version