Site icon Gujarat Mirror

મંદીએ વધુ એક ભોગ લીધો; કામ ધંધો નહીં મળતા પ્રૌઢનો ઝેર પી આપઘાત

oplus_262176

રાજકોટ સહિત રાજ્યભરમાં મંદીના મારથી અનેક લોકોએ આત્મઘાતી પગલાં ભર્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં છુટક મજુરી કરતાં પ્રૌઢને પાંચેક માસથી કામ ધંધો નહીં મળતાં પ્રૌઢે આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. આધેડના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં કોઠારીયા મેઈન રોડ ઉપર આવેલા શિવ પાર્કમાં રહેતાં ભાવેશભાઈ શિવાભાઈ રામાણી નામના 45 વર્ષના પ્રૌઢ સાંજના ચારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતાં ત્યારે ઝેરી દવા પી લીધી હતી. પ્રૌઢને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં પ્રૌઢને સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પુછપરછમાં મૃતક ભાવેશભાઈ રામાણી બે ભાઈ એક બહેનમાં નાના હતાં અને તેમને સંતાનમાં એક 11 વર્ષનો પુત્ર છે. ભાવેશભાઈ રામાણી છુટક મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. પરંતુ છેલ્લા પાંચેક મહિનાથી કામ ધંધો નહીં મળતાં આર્થિક મંદીના કારણે ઝેર પી જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજી ડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version