Site icon Gujarat Mirror

રાજુલાનાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરતા યુવાનનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

પાંચ વ્યાજખોર સામે ગુનો નોંધાયો

રાજુલાના યુવકે વ્યાજે નાણાં લીધા હતા. જે બાદ રકમ કે વ્યાજ ચુકવી ન શકતા વ્યાજખોરોએ વ્યાજની પઠાણી ઉઘરાણી શરૂૂ કરી હતી. જેના કારણે 25 વર્ષિય યુવકે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. અંતે આ યુવકે રાજુલા પોલીસમાં 5 વ્યાજખોર સામે ગુનો નોંધાવ્યો હતો.
રાજુલાના ખોડિયાર માતાજીના મંદિર પાસે રહેતા પ્રદીપભાઈ રવજીભાઈ ગોહિલ (ઉ.વ.25)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમણે બે વર્ષ પૂર્વે રાજુલાના નાગરાજ કોટીલા, જયરાજ, વિશાલ અને બાબુ બારોટ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા.

આ ઉપરાંત વડલી ગામે રહેતા લાલ નામના શખ્સ પાસેથી પણ વ્યાજે નાણાં લીધા હતા. આ તમામ પાસેથી લાખો રૂૂપિયા નાણાં લીધા બાદ તેને વ્યાજ ચુકવી રહ્યો હતો. છેલ્લા 6 માસથી આ લોકોએ વ્યાજ ચુકવ્યું ન હતું.

જેના કારણે વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરતા અંતે પ્રદીપભાઈ ગોહિલે ઝાપોદર ગામે જઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેના કારણે તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અંતે નાગરાજ કોટીલા, જયરાજ, વિશાલ, બાબુ બારોટ અને લાલ નામના શખ્સ સામે રાજુલા પોલીસમાં ગુનો નોંધાતા પીએસઆઈ આર.એલ.રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Exit mobile version