Site icon Gujarat Mirror

મિત્રો સાથે હરિદ્વાર ફરવા જતાં રાજકોટનાં યુવાનનું ટ્રેનમાંથી ફેંકાઈ જતાં મોત

શહેરના મવડી વિસ્તારમાં આવેલા જીવરાજ પાર્કમાં રહેતો કોલેજીયન યુવાન તેના મિત્રો સાથે હરિદ્વાર ફરવા જતો હતો ત્યારે રાજસ્થાનના અલવર નજીક ચાલુ ટ્રેનમાંથી ફેંકાઈ જતાં યુવાનનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે એકના એક પુત્રના મોતથી પરિવારજનોમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક આવેલા જીવરાજ પાર્કમાં રહેતો તરંગ રાજેશભાઇ હદવાણી (ઉ.વ.19) ગઇકાલે રાજકોટ-સરાઇરોહીલા ટ્રેનમાં બેસીને દિલ્હી જતો હતો ત્યારે રાજસ્થાનના અલવરથી આગળ ખેરતાલ નજીક ચાલુ ટ્રેનમાંથી પડી જતાં કરૂૂણ મોત નિપજ્યું હતું. બનાવની જાણ પરિવારજનો, સોસાયટીમાં થતાં કલ્પાંત સર્જાયો હતો. તરંગ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો અને આત્મીય કોલેજમાં બીસીએના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.

હાલ વેકેશન હોઇ તરંગ અને તેના બીજા પાંચ મિત્રો જેમાં યોગેશ વાડોદરીયા, મિસલીન, પ્રિયાંશુ ગોંડલીયા સહિતે હરિદ્વાર-મસુરીના પ્રવાસે જવાનું આયોજન કર્યુ હતું. તમામ મિત્રો ગુરૂૂવારે બપોરે રાજકોટથી ટ્રેનમાં બેસીને રવાના થયા હતાં. શુક્રવારે સવારે છએક વાગ્યે રાજસ્થાનના અલવરથી આગળ ખેરતાલ પાસે પહોંચી ત્યારે બીજા પાંચ મિત્રો સુતા હોઇ તરંગ હદવાણી ટ્રેનના દરવાજા પાસે હવા ખાવા કે એમ જ ટહેલવા ગયો હતો. આ વખતે ટ્રેન ભારે ગતિમાં હોઇ દરવાજા પાસે ઉભેલો તરંગ કોઇપણ રીતે બહાર ફેંકાઇ ગયો હતો.

આ ઘટનાથી તેમના બીજા પાંચ મિત્રો અજાણ હતાં. તરંગના મમ્મી શ્રીમતી સ્મીતાબેનએ દિકરો અને તેના મિત્રો કયાં પહોંચ્યા? તે જાણવા તરંગને ફોન કરતા તેનો ફોન ટ્રેનમાં સીટ પર પડયો હોય તેના મિત્રએ ફોન ઉપાડતાં તરંગ ટોઈલેટમાં ગયો હોવાનું અને આવે એટલે ફોન કરવાનું જણાવ્યું હતું. જો કે ઘણો સમય થવા છતાં તરંગ પરત ન આવતાં મિત્રો આગળના સ્ટેશને ઉતરી રેલવે પોલીસને જાણ કરી હતી અને તેની તપાસ શરૂ કરી હતી.
બાદમાં રેલ્વે પોલીસે તપાસ કરતાં રાજસ્થાનના ખેરતાલ પાસેથી તરંગનો મૃતદેહ મળી આવતાં મિત્રો શોકમાં ગરક થઇ ગયા હતાં પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી મિત્રોને સોંપ્યો હતો અને રાજકોટ આવવા રવાના થયા હતાં. મૃતક માતા-પિતાનો એકનો એક પુત્ર હોય આ બનાવથી પરિવારજનોમાં ભારે ગમગીની છવાઈ જવા પામી હતી.

Exit mobile version