Site icon Gujarat Mirror

રાજકોટમાં સિઝનની સૌથી વધુ ઠંડી, તાપમાન 8.2 ડિગ્રી

નલિયા પણ 6.4 ડિગ્રીથી ઠંડુંગાર, અમરેલી-ભુજ-પોરબંદરમાં પારો 11 ડિગ્રી નીચે, ઉત્તરાયણે હાડ થિજાવતી ઠંડીની આગાહી

સૌરાષ્ટ્રમાં આજથી ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે અને રાજકોટમાં સિઝનની સૌથી વધુ 8.2 ડિગ્રી ઠંડી પડતા લોકો ઠુઠવાયા હતાં. આ સિવાય નલિયામાં પણ 6.4 ડિગ્રી તાપમાન સાથે સતત ઠંડુ શહેર રહ્યું છે. જ્યારે અમરેલી-ભૂજ-પોરબંદર સહિતના શહેરોમાં તાપમાનનો પારો 11 ડિગ્રી નીચેસરકી ગયો છે.

ગુજરાતમાં થોડા દિવસના તાપમાનમાં આશિંક ઘટાડા બાદ રાજ્યમાં ફરીથી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં ફરીથી તાપમાન ગગડ્યું છે. નલિયામાં 10 ડિગ્રી ઉપર પહોંચેલું તાપમાન ફરીથી 6 ડિગ્રી નજીક આવી ગયું છે. અત્યારે રાજ્યમાં 13-14 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે. વહેલી સવારે ધુમ્મસની ચાદરના દ્રશ્યો સર્જાયા છે. આગામી દિવસોમાં હજી પણ વધારે ઠંડી પડશે. રાજકોટમાં આ સિઝનનું સૈૌથી નીચુ તાપમાન 8.2 સે. નોંધાયું છે.

અત્યારે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં 13-14 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહ્યું છે. ત્યારે નલિયામાં ફરીથી તાપામન ઘટીને 6.4 ડિગ્રી લઘુતમ નોંધાયું છે. બે દિવસ પહેલા નલિયામાં 10 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં ઘટાડો થઈને 7.8 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટમાં 8.2 ડિગ્રી, અમરેલીમાં 10.6, ભુજમાં 10.8, પોરબંદરમાં 10.6 ડીગ્રી જેટલું નીચુ તાપમાન નોંધાયું છે.

ગુજરાતમાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે રાજ્યના પાટનગરમાં બે દિવસમાં બે ડિગ્રી તાપમાન ઉચકાયું હતું. રવિવારના રોજ ગાંધીનગરમાં 11.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 13.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે વડોદરામાં 14.2 ડિગ્રી, રાજકોટમાં 8.2 લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થઈ રહી છે. જેના પગલે રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઉત્તરાયણ સુધીમાં ગુજરાતમાં હજી પણ ભારે ઠંડી પડવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. પડોશી રાજ્યમાં આવેલા હિલસ્ટેશનમાં પણ અત્યારે તાપમાન માઈનસમાં પહોંચી જતાં તેની અસર ગુજરાત ઉપર પણ પડી રહી છે. આગામી દિવસોમાં લોકોએ હાડથીજવતી ઠંડીનો સામનો કરવો પડી શકે છે.

ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
નલિયા 6.4
રાજકોટ 8.2
અમરેલી 10.6
ભૂજ 10.8
પોરબંદર 10.6
ગાંધિનગર 11.7
ડીસા 12.1
વેરાવળ 13.5
અમદાવાદ 13.5
ભાવનરગ 13.6
દીવ 13.5
દ્વારકા 14.6
વડોદરા 14.2

Exit mobile version