Site icon Gujarat Mirror

રાજકોટના કોન્ટ્રાકટરનું 60 લાખની ઉઘરાણીમાં અપહરણ

વેરાવળના બે સહિત ત્રણ વ્યાજખોર સામે ફરિયાદ: 3 આરોપી પોલીસના સકંજામાં

પોલીસે પીછો કરી કાલાવડ રોડ પરથી વેપારીને આરોપીઓની ચુંગાલમાંથી મુકત કરાવ્યો

રાજકોટ શહેરમા વ્યાજખોરીના બનાવો દિવસેને દિવસે વધતા જાય છે પોલીસ દ્વારા લોક દરબાર બંધ થયા બાદ વ્યાજખોરીનાં બનાવો પોલીસ ચોપડે નોંધાઇ રહયા છે ત્યારે વધુ એક વ્યાજખોરીની ઘટના પોલીસમા નોંધાઇ છે. શહેરનાં યુનિવર્સિટી રોડ ગંગોત્રી પાર્ક પાસે રહેતા બાંધકામના કોન્ટ્રાકટર પાસેથી 60 લાખની ઉઘરાણીમા વ્યાજખોર સહિત ત્રણ શખ્સોએ કોન્ટ્રાકરને ક્રિષ્ટલ મોલ પાસે બોલાવી પઠાણી ઉઘરાણી કર્યા બાદ કારમા અપહરણ કરી લઇ જતા પોલીસને જાણ થતા કાલાવડ રોડ પર પીછો કરી કોન્ટ્રાકટરને મુકત કરાવ્યો હતો અને ત્રણેય આરોપીને સકંજામા લઇ તેની પુછપરછ શરૂ કરી છે. આ મામલે કોન્ટ્રાકટરની ફરીયાદ પરથી વેરાવળનાં વ્યાજખોરનાં સહીત ત્રણ સામે અપહરણ અને મનીલેન્ડ એકટ હેઠળ કાર્યવાહી કરવામા આવી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મુળ વેરાવળનાં ચોકસીનગરનાં અને હાલ રાજકોટ શહેરના યુનિવસીર્ટી રોડ ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર ચંદ્રકા લહેરુના મકાનમા રહેતા બાંધકામ કોન્ટ્રાકટર હેમુલ મનહરલાલ ચોકસી (સોની) (ઉ.વ. 43) એ પોલીસ ફરીયાદમા વેરાવળનાં નીલેશ ચલા, રાજુભાઇ મોચી અને રાજકોટના અમીતભાઇ રાઠોડનુ નામ આપતા તેમની સામે અપહરણ અને વ્યાજખોરીની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ મામલે પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમા એએસઆઇ જયદેવભાઇ બોસીયાએ તપાસ આદરી ત્રણેય આરોપીને કાલાવડ રોડ પરથી સકંજામા લીધા હતા.

આ ઘટનામા હેમુલભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે પોતે બાંધકામ કોન્ટ્રાકટર છે અને તેમને આ ધંધામા પૈસાની જરૂરીયાત ઉભી થતા 2019 ની સાલમા તેમના નિલેશભાઇ ચલાનો સંપર્ક કરી તેમને પૈસાની જરૂરીયાત હોવાનુ જણાવતા નિલેશે કટકે કટકે રૂ. 60 લાખ વ્યાજે આપ્યા હતા આ ઘટના બાદ આરોપીઓ અવારનવાર પૈસાની ઉઘરાણી કરતા હોય તેમને થોડો સમય આપવાનુ કહેતા ગઇકાલે હેમુલભાઇને નિલેશે કોલ કરી કાલાવડ રોડ પર ક્રિષ્ટલ મોલ પાસે બોલાવતા તેમની પાસે પૈસાની ઉઘરાણી કરી અને આરોપીએ જબર દસ્તીથી કારમા બેસાડી અને નિલેશે ગાળો આપી કે હું તને જોઇ લઇશ બાદમા હેમુલને મુકકા મારી ગાડી કાલાવડ રોડ પર ભગાડી હતી તેવામા યુનિવર્સીટી પોલીસનાં પીઆઇ એચ. એન. પટેલ અને સ્ટાફને જાણ થતા પોલીસની ટીમોએ કાલાવડ રોડ પર પીછો કરી આરોપીઓને આંતરી હેમુલને મુકત કરાવ્યો હતો અને ત્રણેય આરોપીને સકંજામા લઇ તેમની પુછપરછ શરૂ કરી હતી. આ મામલે હાલ એએસઆઇ જયદેવભાઇ બોસીયા તપાસ ચલાવી રહયા છે.

Exit mobile version