આગામી ત્રણ વર્ષ સુધી ચાલનાર અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના નવનિર્માણના કામને લઈ રેલવે મંત્રાલયે સ્ટેશન પરથી ઉપડતી અને પસાર થતી ટ્રેનોને ડાયવર્ટ કરવા સુચના જારી કરી છે. જેમાં અમદાવાદથી ઉપડતી 47 જેટલી ટ્રેનને રાજકોટ સહિત સાબરમતી, મણિનગર, વટવા અને અસાવરવા સ્ટેશન પર ડાયવર્ટ કરાશે. જ્યારે અમદાવાદથી પસાર થતી 37 ટ્રેનને મણિનગર, સાબરમતી સ્ટેશન પર ડાયવર્ટ કરીને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાની કવાયત રેલવે વિભાગે હાથ ધરી છે.
જોકે હજુ વિવિધ ટ્રેનને જેતે સ્ટેશન પર ડાઈવર્ટ કરવાનું પ્રાથમિક આયોજન જ કરાયું છે. આગામી દિવસોમાં તેને ઉચ્ચકક્ષાએથી મંજુરીની મહોર લાગ્યા બાદ તબક્કાવાર ટ્રેનો વિવિધ સ્ટેશને ટ્રાન્સફર કરાશે.
જેમાં બે ટ્રેનને સાબરમતી, 12 ટ્રેનને મણિનગર, 25 ટ્રેનને વટવા, 4 ટ્રેનને અસારવા જ્યારે 4 ટ્રેનને રાજકોટ રેલવે સ્ટેશન પર ડાયર્વટ કરાશે. આ ઉપરાંત અમદાવાદથી પસાર થતી વિવિધ 37 ટ્રેનને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂૂપે મણિનગર, સાબરમતી અને બીજા સ્ટેશન પર ડાયવર્ટ કરાશે. અમદાવાદના કાલુપુરથી ઉપડતી 47 ટ્રેન અન્ય સ્ટેશને ડાઈવર્ટ કરાશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ એક સમારંભમાં અમદાવાદમાં લાંબા સમય સુધી પડી રહેતી ટ્રેનો રાજકોટ લંબાવવાના નિર્ણયનો અમલ નહીં કરાતો હોવાનો રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવની હાજરીમાં ઉકળાટ ઠાલવ્યો હતો. કાલુપુર રેલવે સ્ટેશનના પુનનિર્માણના કારણે હવે રેલવેને ઓછામાં ઓછી 4 ટ્રેન રાજકોટ ડાઇવર્ટ કરવાની ફરજ પડી છે. એટલું જ નહીં સૌરાષ્ટ્રના જુદાજુદા શહેરોથી ઉપડતી અને અમદાવાદથી પસાર થતી ટ્રેનોના સ્ટેશન પણ બદલવામાં આવ્યા છે. આવી ટ્રેનોમાં રામેશ્વર-ઓખા ટ્રેનને મણીનગર, સાબરમતી, પુરી-ઓખા ટ્રેનને પણ મણીનગર, સાબરમતી, મુંબઇ સેન્ટ્રલ- ઓખા સૌરાષ્ટ્ર એકસપ્રેસને મણીનગર, સાબરમતી, એર્નાકુલમ-ઓખા એકસપ્રેસને સાબરમતી, કોચુવેલી-ભાવનગર એકસપ્રેસને મણીનગર, સાબરમતી, સન્ગાગાત્રાચી- પોરબંદર એકસપ્રેસને મણીનગર, સાબરમતી, વડોદરા-જામનગર ઇન્ટરસીટીને સિટી એરીયામાં પહેલેથી જ રોકાવેલ છે. બાંદ્રા (ટી), જામનગર એકસપ્રેસને મણીનગર અને ઇન્દોર-વેરાવળ મહામના એકસપ્રેસને મણીનગર સ્ટેશને ડાઇવર્ટ કરાઇ છે.
આ ફેરફારોના કારણે રાજકોટને અમદાવાદ- વારાણસી સિટી સાબરમતી એકસપ્રેસ, અમદાવાદ-યશવંતપુર એકસપ્રેસ, અમદાવાદ પૂણે દુરંતો એકસપ્રેસ, અમદાવાદ- એમજીઆર ચેન્નાઇ હમસફર એકસપ્રેસ ટ્રેનનો લાભ મળશે.
રાજકોટ ટ્રાન્સફર કરાયેલી ટ્રેન
અમદાવાદ- વારાણસી સિટી સાબરમતી એકસપ્રેસ
અમદાવાદ- યશવંતપુર એકસપ્રેસ
અમદાવાદ-પૂણે દુરંતો એકસપ્રેસ
અમદાવાદ- એમજીઆર ચેન્નાઇ હમસફર એકસપ્રેસ

