કાયમી નિરાકરણના બદલે થૂંકના સાંધા, બન્ને તરફ એક-એક ફૂટની ગટર બનાવી, ટુ-વ્હીલર ચાલકો માટે નવું જોખમ
ચોમાસુ વિતી ગયાને બે માસ બાદ પાણીની ધારાવાડી, ડિઝાઇનમાં જ રહી ગયેલી ખામી, અધિકારીઓની ગંભીર ભૂલની વાહન ચાલકોને કાયમી સજા
રાજકોટ શહેરનાં કિસાનપરા ચોક નજીક રૈયા રોડ અંડરબ્રિજમા દિવાલમાંથી વછૂટતુ પાણી બંધ કરવામા મહાનગર પાલિકાના ઇજનેરો નિષ્ફળ જતાં હવે અન્ડરબ્રિજમા પાણીના નિકાલ માટે બન્ને તરફ એક-એક ફૂટની આર.સી.સી. ગટર બનાવવાનો જોખમી વિકલ્પ અપનાવ્યો છે.
રૈયા રોડ અન્ડરબ્રિજ બન્યાને હજુ આગામી જાન્યુઆરી માસમા પાંચ વર્ષ પુરા થઇ રહયા છે તે પૂર્વે આ બ્રિજમાં પાણીની સરવાણીઓ અવિરત ચાલુ રહેતા હવે મહાનગર પાલિકાના માસ્ટર માઇન્ડ ઇજનેરોએ પાણીના નિકાલ માટે અન્ડરબ્રિજ જ સાંકડો કરી નાખ્યો છે . બ્રિજની અંદર બન્ને તરફ એક-એક ફૂટ પાણીના નિકાલ માટે આર.સી.સી. ગટર બનાવતા પૂલ બે ફૂટ સાંકળો થઇ ગયો છે.
આશ્ર્ચર્યની વાત એ છે કે , બ્રિજ ઉતરતા સ્પીડમા આવતા વાહનો આ ગટરની પાળી સાથે સીધા અથડાવાનો ભય રહે છે. અન્ડર બ્રિજમા સતત અંધારૂ રહે છે અને બ્રિજના ઢાળીયો ઉતરતા જ બન્ને તરફ બનાવાયેલી ગટરની પાળી તેવી સ્થિતિ છે . દરરોજ હજારો વાહન ચાલકો આ બ્રિજમાંથી પસાર થાય છે ત્યારે ગટરની પાળી સાથે વાહન અથડાવાનો સતત ખતરો રહેશે. મહાનગર પાલિકાના શાસકોનો આ આઇડિયા જોખમી અને જીવલેણ બની શકે છે.
આ અન્ડર બ્રિજમાં દિવાલ વિંધિને નીકળતા પાણી બંધ કરવા કાયમી સોલ્યુશન કરવાના બદલે થૂંકના સાંધા મારવાના ‘સાહસ’ નો બચાવ કરતા કોર્પોરેશનના ‘કારીગરો ’ કહે છે કે , ચોમાસામા દરેક બિલ્ડિંગના સેલરમાં પાણી ભરાય છે તો અન્ડરબ્રિજમા પણ પાણી ભરાય તે સ્વાભાવિક છે પરંતુ વરસાદ બંધ થાય એટલે સેલરમા પાણી આવતા બંધ થઇ જાય છે જયારે અન્ડર બ્રિજમા ચોમાસાની વિદાયના બે માસ બાદ પણ પાણીની સરવાણીઓ ફુટે છે તે બાબત અન્ડર બ્રિજની ડિઝાઇન સામે જ શંકા ઉભી કરે છે. મહાનગર પાલિકામા હાલ બોડીબામણીના ખેતર જેવુ શાસન હોવાથી અધિકારીઓએ કરેલી ભુલની સજા પ્રજાજનોને કાયમી ભોગવવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

