સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ ગઇકાલે મેઘરાજાએ હાઉકલી કરતા ખેડૂતોમાં નવી આશા જાગી છે. ગઇકાલે બપોરબાદ જામનગર જિલ્લાના ધ્રોલમાં 2.13 ઇંચ, ભાવનગરના મહુવામાં એક ઇંચ, કચ્છના અબડાસામાં 0.63 ઇંચ તથા જેસરમાં 0.43 ઇંચ વરસાદ સહિત કુલ 20 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં જામનગર, અમરેલી, ભાવનગર અને કચ્છ જિલ્લામાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી.
ગઇકાલે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. ધ્રોલના ઇટારા અને હમાપર જેવા ગામમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. તો આ તરફ અમરેલીના સાવરકુંડલા અને જાફરાબાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામમાં ધોધમાર વરસાદ વરસતા ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા હતા. જ્યારે ભાવનગરના મહુવા શહેર અને ગ્રામ્યમાં વરસાદ શરૂૂ થયો હતો.
ગાંધી બાગ, સ્ટેશન રોડ, કોલેજ રોડ, સ્વામિનારાયણ મંદિર, કુંભારવાડા સહિતના સીટી વિસ્તારમાં મેઘમહેર થઈ છે. રાજ્યમાં છેલ્લા એક મહિનાથી નોંધપાત્ર વરસાદ ન વરસતા ખેડૂતો અને સરકારની ચિંતામાં વધારો થયો છે. 23 જિલ્લામાં સામાન્ય કરતા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગ તરફથી મોટી રાહતના સમાચાર આવ્યા. રાજ્ય અને આસપાસ સર્જાયેલી ત્રણ અલગ અલગ સિસ્ટમના કારણે 12 થી 14 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. મહત્વનું છે કે, ભૂતકાળમાં પણ ભાદરવામાં ભરપૂર વરસાદ વરસ્યો હોય આ વર્ષે પણ સારા વરસાદની આશા સેવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બંગાળની ખાડી અને બાંગ્લાદેશ પાસે સર્જાયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 10મી તારીખે લો પ્રેશર બનવાની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને એક મોન્સૂન ટ્રફ છે. જેના કારણે 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.
રાજ્યમાં વરસાદની 19 ટકા ઘટ
રાજ્યમાં આજની તારીખે 19 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. સિઝનનો સરેરાશ 75.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઝોનવાઈઝ વરસેલા સરેરાશ વરસાદની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં સરેરાશ સામે 104 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં સરેરાશ સામે 75 ટકા, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સરેરાશ સામે 56 ટકા અને કચ્છમાં સરેરાશ સામે 29 ટકા જ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 23 જિલ્લામાં 1 ટકાથી લઈ 89 ટકા સુધી વરસાદની ઘટ વર્તાઈ રહી છે.

